કરાડ નદીમાં નાવડી દ્વારા થતું ગેરકાયદે રેતીખનન ઝડપાયું
બે ડમ્પર સહિત પોણા કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
વડોદરા, તા.23 સાવલી તાલુકાના વીટોજ ગામ પાસે કરાડ નદીમાં ચાલતા ગેરકાયદે રેતીખનન પર ખાણખનિજખાતું ત્રાટક્યું હતું અને પોણા કરોડ રૃપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે સાવલી તાલુકાના ગણેશપુરા વીટોજ ગામ પાસે આવેલી કરાડ નદીમાં મોટાપાયે ગેરકાયદે રેતીખનન ચાલે છે તેવી માહિતીના આધારે ખાણખનિજખાતાના સ્ટાફે દરોડો પાડતા નદીમાં નાવડી નાંખી રેતી ઉલેચવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. ખાણખનિજખાતાએ એક નાવડી, જેસીબી અને બે ડમ્પર મળી કુલ રૃા.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે વડોદરા નજીક ફાજલપુરમાં મહી નદીમાંથી પણ ગેરકાયદે રેતીખનન ઝડપી પાડી આશરે રૃા.૩૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ચોમાસાની ઋતુમાં હાલ નદીમાંથી રેતીખનન ના કરી શકાય તેમ છતાં રેતી માફિયાઓ બેફામ રેતીનું ખનન કરતાં હોય છે.