વાંકાનેર ગામે મહી નદીમાં ખુલ્લેઆમ રેતીનું ગેરકાયદે ખનન ઃ બે બોટ જપ્ત
બ ેદિવસ પહેલાં રેતી માફિયાઓને દરોડાની જાણ થતાં નાવડી સહિતની મશીનરીઓ હટાવી લીધી હતી
વડોદરા, તા.30 સાવલી તાલુકામાં વાંકાનેર ગામ પાસે મહી નદીમાંથી ગેરકાયદે રેતીખનન પર આજે સવારે ખાણખનિજખાતું ત્રાટક્યું હતું અને બે નાવડીઓ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ આ સ્થળે રેતી માફિયાઓને રેડની જાણ થઇ જતા નાવડી સહિતની મશીનરી હટાવી લીધી હતી.
ઉલ્લેખનીય છે કે સાવલી તાલુકામાંથી પસાર થતી મહી નદીમાં અનેક સ્થળોએ મોટાપાયે ગેરકાયદે રેતીખનન થતું હોવાની બૂમો વારંવાર ઉઠતી હોય છે. તાલુકાના વાંકાનેર ગામે મહી નદીમાંથી નાવડી દ્વારા મોટાપાયે ગેરકાયદે રેતીખનનની ફરિયાદના પગલે વડોદરાના ખાણખનિજ વિભાગે સવારે જ દરોડો પાડતાં રેતી માફિયાઓમાં નાસભાગ મચી ગઇ હતી. પરંતુ મહી નદીમાંથી રેતી ઉલેચતી બે યાત્રિંક નાવડીઓ તંત્રએ ઝડપી પાડી હતી.
રૃા.૬ લાખ કિંમતની નાવડીઓ જપ્ત કરી બંને નાવડીઓને ભાદરવા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં મૂક્યા બાદ હવે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ વાંકાનેર ગામે ખાણખનિજની ટીમ જવાની હોવાની માહિતી અગાઉથી મળી જવાના કારણે વાંકાનેર ગામે રેતીખનન માટે નાવડી સહિતની મશીનરી મહી નદીમાંથી હટાવી લેવાઇ હતી. આ સાથે જ અગાઉ મહી નદીમાં સામે આણંદ જિલ્લાની હદમાં સામેના કિનારે પણ અડધો ડઝન જેટલી નાવડીઓ જપ્ત કરવામાં આવી હતી.