ચાણસદની ૧૦૦ કરોડની સરકારી જમીનો પર દબાણો તંત્રને દેખાતા નથી
દબાણો કરાવનાર અને કરનારા સામે પોલીસ કાર્યવાહીના અભિપ્રાયો છતાં પગલા નહી ઃ એસીબીમાં ભ્રષ્ટાચારીઓ સામે ફરિયાદ
વડોદરા, તા.18 વડોદરા નજીક ચાણસદ ગામની સીમમાં આશરે ૧૦૦ કરોડ રૃપિયાની કિંમતની સરકારી જમીન પર મોટાપાયે દબાણો હોવા છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકારી રેકર્ડ પર દબાણો કરનારા અને કરાવનારાઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાના અભિપ્રાયો હોવા છતાં તેને અભરાઇ પર ચડાવી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ચાણસદ ગામની સીમમાં સર્વે નંબર ૩૭૭ અ, બ અને ક વાળી આશરે ૧૧ લાખ ચોરસફૂટ જેટલી જમીન ગૌચર તેમજ પડતર સરકારી રેકર્ડ પર ચાલે છે. સરકારી જમીન પર અનેક દબાણો કરી સરકારને કરોડો રૃપિયાનું નુકસાન કર્યુ હોવાની વિગતો બે વર્ષ પહેલાં તંત્રના ધ્યાન પર આવતાં જિલ્લા પંચાયત દ્વારા ગૌચરની જમીન પર થયેલા અનેક દબાણો તાત્કાલિક દૂર કરવા તેમજ જમીન પર અનઅધિકૃત પાડેલા પ્લોટો પાડી વેચી દેનારા અને કબજો કરનારા શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સરકાર પક્ષે ફરિયાદી બની સુઓમોટો દાખલ કરવા જિલ્લા કલેક્ટરને પત્ર લખી જણાવવામાં આવ્યું હતું.
મોટાપાયે દબાણો છતાં તંત્ર દ્વારા આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અગાઉ સરકારી ખર્ચે માપણી કરવાનો હુકમ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ માપણી પણ અસ્પષ્ટ કરવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે ચાણસદની કરોડો રૃપિયાની જમીન પર રોજે રોજ દબાણો વધતા જાય છે પરંતુ તંત્ર નિષ્ક્રિય છે. અગાઉ જિલ્લા નિરિક્ષક જમીન દફ્તરની કચેરી દ્વારા કરવામાં આવેલી માપણીમાં ચોક્કસ દબાણ કેટલું છે તે જણાવ્યું જ ન હતું અને કલેક્ટર કચેરીને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
સરકારી તંત્ર દ્વારા કરાયેલા સર્વેમાં કેટલાંક ભૂમાફિયાઓ દ્વારા ગૌચરની જમીનમાં પ્લોટો પાડી વેચી દીધા હોવાનું સ્પષ્ટ જણાયું હતું પરંતુ બાદમાં કોઇ દબાણમાં આગળની કાર્યવાહી કરવામાં આવી ન હતી. તંત્ર દ્વારા કોઇ પગલાં નહી લેવાતા આખરે આ અંગે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા વડોદરાના એક અરજદાર દ્વારા એસીબીના વડાને કાર્યવાહી કરવાની માંગણી કરાઇ છે.