સુરત પાલિકાના કતારગામ ઝોનમાં બે ઈમારતમાં ગેરકાયદે બાંધકામ દૂર કરાયું
Demolition in Surat : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં પાલિકાની મંજુરી વિના થતાં બે બાંધકામ દુર કરી મિલકતદારો પાસે વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે. પાલિકાએ નોટિસ આપી હોવા છતાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તેને દુર કરવામાં આવ્યું છે.
સુરત પાલિકાના કતારગામ ઝોનમાં આવેલ ટી.પી. સ્કીમ નંબર 3(કતારગામ) ફા.પ્લોટ નંબર 101 ના સબ પ્લોટ નંબર 4 વાળી હયાત ગ્રાઉન્ડ ફ્લોર +4 માળવાળી મિલકતની ઉપર વધારાના પાંચમા માળનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ અટકાવવા માટે કતારગામ ઝોન દ્વારા નોટિસ આપવામાં આવી હતી.
આ ઉપરાંત ટી.પી. સ્કીમ નંબર 51(ડાભોલી) ફા.પ્લોટ નંબર 154 માં આવેલ યોગીનગર સોસાયટીના સબ પ્લોટ નંબર 2, 3 વાળી મિલકતમાં પણ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું. પાલિકાએ આ બાંધકામ કરનારાઓને નોટિસ આપી હતી. પરંતુ મિલકતદારોએ ગેરકાયદે બાંધકામ અટકાવવા ના બદલે બાંધકામ ચાલુ રાખ્યું હતું. પાલિકાએ બે જગ્યાએ મળીને 1500 ચો.ફુટ ગેરકાયદે આર.સીસી.નું સ્લેબ સહિતનું ગેરકાયદે બાંધકામ દુર કરીને વહીવટી ચાર્જ પેટે 50 હજાર, ડિમોલીશન ચાર્જ પેટે 70 હજાર અને કન્સ્ટ્રકશન એન્ડ ડીમોલીશન ચાર્જ પેટે 10 હજાર રૂપિયા મળીને 1.30 લાખ રૂપિયા વસુલવામાં આવ્યા હતા.