લગ્ન પછી મારા બોયફ્રેન્ડ સામે વાંધો ઉઠાવીશ તો હું આત્મહત્યા કરી લઇશ
યુવકે લગ્નની ના પાડતા યુવતીના પરિવારે મારી નાંખવાની તથા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
વડોદરા,લગ્ન પછી પણ મારો બોય ફ્રેન્ડ મળવા આવશે, તું કોઇ વાંધો ઉઠાવીશ તો હું આત્મહત્યા કરી લઇશ. તેવી ધમકી આપનાર મંગેતર સાથે લગ્નની ના પાડનાર યુવકને મંગેતરના પરિવારજનોએ મારી નાંખવાની તથા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
મકરપુરા વિસ્તારમાં રહેતા આશિષે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા સમાજના ચંદાબેન પરમારે અમારા ભાઇના લગ્ન નક્કી કરાવ્યા હતા. મારા પિતાએ તેમને મારા લગ્ન માટે વાત કરતા તેઓએ જુલાઇ - ૨૦૨૩ માં એક યુવતીનો બાયોડેટા મોકલ્યો હતો. સપ્ટેમ્બર - ૨૦૨૩ માં અમે પરિવારના સભ્યો સાથે નાળિયેર વિધિ સંપન્ન કરી હતી. અમારા લગ્નની તારીખ ૨૦ મી જાન્યુઆરીના રોજ નક્કી થઇ હતી. હું અને મારા પરિવારના સભ્યો લગ્નની તૈયારીમાં લાગી ગયા હતા.તે દરમિયાન મારી મંગેતર પણ અવાર - નવાર અમારા ઘરે આવતી હતી અને ફોન પર પણ વાતચીત થતી હતી. જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં મારી મંગેતરે મને કોલ કરીને તેના બોય ફ્રેન્ડ બાબતે કીધું હતું. તેણે મને કહ્યું કે, લગ્ન પછી પણ હું મારો બોય ફ્રેન્ડ મને મળવા આવશે. તેમાં તમારે કોઇ વાંધો ઉઠાવવાનો નથી. તેવું જણાવી તેને આત્મહત્યાની ધમકી આપી હતી. જે અંગે મારા ફોઇએ મંગેતરના પિતાને વાત કરી હતી. બીજે દિવસે ૭ મી તારીખે મંગેતર, તેના માતા - પિતા, તથા ફુઆ મારા ઘરે આવ્યા હતા. મેં તેઓને મંગેતરના બોય ફ્રેન્ડની અને આત્મહત્યાની ધમકીની વાત કરી લગ્ન કરવાની ના પાડી હતી.
તે દિવસે તેઓ અધૂરી વાત છોડીને જતા રહ્યા હતા. બીજે દિવસે તેઓ ફરીથી આવ્યા હતા. મેં તેઓને લગ્નની ના પાડતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. મારી સાથે ઝપાઝપી કરી મંગેતરને કહ્યું કે, તારે અહીંયા જ રહેવાનું છે. તારે જે કરવું હોય તે કરજે. તેઓએ મને એવી ધમકી આપી હતી કે, તું મારી છોકરી સાથે લગ્ન નહીં કરે તો જાનથી મારી નાંખીશું અને ખોટા કેસમાં ફસાવી દઇશ. તારે આ લગ્ન ના કરવા હોય તો પાંચ લાખ આપી દે. અમારા પરિવારજનોએ રોશનીને સમજાવી પરત મોકલી દીધી હતી. ત્યારબાદ અને આ લગ્ન નહીં કરવા બાબતે નોટિસ મોકલી હતી.