Get The App

પાણીની સમસ્યા હલ નહીં કરાય તો અમિત શાહના કાફલાને રોકી દેવાશે

Updated: Sep 30th, 2023


Google NewsGoogle News
પાણીની સમસ્યા હલ નહીં કરાય તો અમિત શાહના કાફલાને રોકી દેવાશે 1 - image


પાણી વેરાના બિલની હોળી કરાઇ, હવે

સેક્ટર-૨૪માં ૨૪ કલાકમાં ન આવે તો આંદોલન છેડવાની ચિમકી પાણી નહીંતો વેરો નહીંના સુત્રોચ્ચાર સાથે કચેરીને ઘેરાવ કરાયો

ગાંધીનગર :  પાટનગરમાં પીવાના પાણી સંબંધેનો કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. સેક્ટર ૨૪માં વ્યાપક મુશ્કેલી વચ્ચે કોંગ્રેસી કોર્પોરેટર સહિત યુવાનોએ પાટનગર યોજના ભવન પાસે પાણી વેરાના બિલની હોળી કરવા સાથે ૨૪ કલાકમાં સમસ્યાનું સમાધાન ન થાય તો વેરો નહીં ભરવા એલાન કર્યુ હતું. સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભઆઇ શાહની ગાંધીનગર મુલાકાત વેળાએ તેમના કાફલાને રોકી પાડવા જાહેરાત કરી હતી.

રાજ્યના પાટનગરમાં છેલ્લા બે વર્ષથી વિવિધ સેક્ટરમાં સમયાંતરે પાણીની બુમ પડે છે. પરંતુ તાજેતરમાં નર્મદા કેનાલમાં મોટી માત્રામાં પાણી છોડવામાં આવ્યા બાદ છેલ્લા એક સપ્તાહથી પરિસ્થિતિ વિકટ બની છે. ડહોળુ પાણી આવવાની સાથે નજીવા ફોર્સથી પાણી આવવાના કારણે ઘરે ઘરમાં ગૃહિણીઓ પરેશાન છે. પાટનગરમાં જ ટેન્કર રાજ દેખાઇ રહ્યું છે. નોંધવું રહેશે, કે પાણી પુરવઠા બોર્ડના દાયકાઓ જુના શુદ્ધિકરણ પ્લાન્ટ્સની કોઇ ક્ષમતા જ રહી નહીં હોવાના કારણે તેના દ્વારા દરરોજ ૨૦ એમએલડી જેટલુ ઓછુ પાણી પાટનગર યોજના વિભાગને આપવામાં આવે છે. પરિણામે ૬૦ એમએલડીની જરૃરત સામે ૪૦ એમએલડી જેટલા પાણીનું જ વિતરણ કરવામાં આવે છે. તંત્ર દ્વારા તો ગત ૨૧મીએ જ પાણી ડહોળુ આવવાની અને ઓછુ આવવાની જાહેરાત પણ કરાઇ હતી. સાથે પાણીને ઉકાળીને પીવાની સલાહ અપાઇ હતી. કેમ કે પાણી પુરવઠા બોર્ડ જરૃરત પ્રમાણેનું પાણી આપતું નથી.

દરમિયાન સેક્ટર ૨૪માં પાણીની વાતે મચેલી બુમરાણના પગલે કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટ તથા એનએસયુઆઇ દ્વારા શુક્રવારે પાટનગર યોજના ભવનમાં કચેરીને ઘેરાવ કરવાની સાથે પાણી નહીં તો વેરા નહીંના નારા લગાડીને પાણી વેરાના બિલની હોળી કરવામાં આવી હતી. બીજી બાજુ સ્પષ્ટ ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી, કે જો સેક્ટર ૨૪માં પીવાના પાણીની સ્મસ્યાનો ૨૪ કલાકમાં અંત નહીં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની ગાંધીનગરની મુલાકત વખતે તેમના કાફલાને રોકી પાડીને તેમને જ સીધી ફરિયાદ કરવામાં આવશે.

અધિકારીઓ, કાઉન્સિલરો એકબીજાને ખો આપી રહ્યાં હોવાનો આક્ષેપ

પીવાના પાણીની ૨૪ કલાક આપવાની અને ગંદા પાણીના નિકાલની યોજના સ્માર્ટ સિટી અંતર્ગત રૃપિયા ૫૦૦ કરોડના ખર્ચે હાથ ધરાયા પછી ગોકળ ગાયની ગતિએ તેનું કામ ચાલી રહ્યું છે. ત્યારે પાણીનો કકળાટ રોજનો બની ગયાં પછી ફરિયાદ લેવા અને તેનો હલ લાવવા કોઇ વ્યવસ્થા ગોઠવાઇ નહીં હોવાથી કોઇપણ ફરિયાદ કે રજૂઆત વખતે અધિકારીઓ અને કાઉન્સિલરો એકબીજાને ખો આપતા રહેતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આ સ્થિતિમાં પ્રજાજનો પરેશાન છે અને તંત્ર મૂક પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યું છે.


Google NewsGoogle News