જો ઇન્સ્ટાગ્રામમાં મારૃં આઇ.ડી. ચેક કરશે તો હું સ્યુસાઇડ કરી લઇશ
ધો. ૯ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઘર છોડીને જતો રહેતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી
વડોદરા,માતાએ પુત્રના ઇન્સ્ટાગ્રામ પરની ચેટ ડિલિટ કરી દેતા ઉશ્કેરાઇને પુત્ર ઘર છોડીને જતો રહ્યો હતો. ઘર છોડીને જતો રહેલો પુત્ર એક વખત પોલીસ સ્ટેશન, બીજી વખત બહેનના ઘરે તથા ત્રીજી વખત મિત્રના ઘરેથી મળી આવ્યો હતો. પરંતુ, ચોથી વખત જતો રહેલો પુત્ર મળી નહીં આવતા માતાએ છેવટે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ખોડિયાર નગર નજીક રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા વેપારીનો ૧૪ વર્ષનો પુત્ર ધો. ૯ માં અભ્યાસ કરે છે. વેપારીની પત્નીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૭ મી એ મારો દીકરો અને હું ઘરે હતા. મારા પતિ દુકાને હતા. મારો દીકરો ઇન્સ્ટાગ્રામ પર કોઇની સાથે ચેટ કરતો હતા. જેથી, મેં તેના હાથમાંથી મોબાઇલ ફોન લઇ લીધો હતો. મારા દીકરાએ ઇન્સ્ટાગ્રામ પર કરેલી ચેટ પણ મેં ડિલિટ કરી દીધી હતી. મેં તેને ચેટ અંગે પૂછતા તે ઉશ્કેરાઇ ગયો હતો. તેણે ગુસ્સે થઇને મને કહ્યું કે, જો ઇન્સ્ટાગ્રામમાં મારૃં આઇ.ડી. ચેક કરશે તો હું સ્યુસાઇડ કરી લઇશ, ઘર છોડીને જતો રહીશ. આવી ધમકી આપીને તે ઘરની બહાર નીકળી ગયો હતો. હું તેને પકડીને ઘરે પરત લઇ આવી હતી. મેં મારા બનેવીને ફોન કરી મારા દીકરાને સમજાવવા બોલાવ્યા હતા. તે સમયે મારા પતિ પણ દુકાનેથી ઘરે આવી ગયા હતા. તેઓને મેં તમામ હકીકત જણાવી હતી. મારા પતિએ તેને સમજાવતા તે એકદમ ઉશ્કેરાઇને ગમે તેમ બોલવા લાગ્યો હતો. જેથી, મારા પતિએ તેને ઠપકો આપતા તે ઘરમાંથી ભાગી ગયો હતો. અમને લાગ્યું કે, તે ગુસ્સામાં ઘર છોડીને જતો રહ્યો હોવાથી પરત આવી જશે.
ત્યારબાદ રાતે સાડા અગિયાર વાગ્યે મારા દીકરાને વારસિયા પોલીસ સ્ટેશનથી બાપોદ પોલીસ સ્ટેશન લઇ ગયા હોવાનો ફોન મેહુલ શર્માએ કરતા અમે બાપોદ પોલીસ સ્ટેશન ગયા હતા. પરંતુ, તે અમારા ઘરે આવવા માંગતો નહીં હોવાથી મારા બહેન બનેવીને સોંપ્યો હતો. પરંતુ, પોલીસ સ્ટેશનની બહારથી જ તે ફરીથી ભાગીને તેના મિત્રના ઘરે જતો રહ્યો હતો. અમે ત્યાં જઇને મારા દીકરાને લઇને તેની ગર્લફ્રેન્ડના ઘરે તા. ૧૮ મી એ લઇ ગયા હતા. ગર્લફ્રેન્ડ, તેના માતા - પિતાએ મારા દીકરાને સમજાવ્યો હતો. ત્યાંથી નીકળીને અમે ઘરે જતા હતા. ત્યારે મારો દીકરો ફરીથી ભાગી ગયો હતો.