'એક દેશ એક ચૂંટણી' અભિયાન સામે વઘોડીયાના ધારાસભ્ય રાજીનામું આવશે તો ચૂંટણી ખર્ચ વધશે
વડોદરા,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
એક તરફ ચૂંટણીનો ખર્ચ ઘટાડવા માટે દેશમાં "એક દેશ, એક ચૂંટણી" પર વિચારણા ચાલી રહી છે. ત્યારે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જો રાજીનામું આપે તો ફરી એકવાર ચૂંટણીનો ખર્ચ જિલ્લા વહીવટી તંત્ર પર આવીને ઉભો રહેશે. આડકતરી રીતે નાગરિકોના ખિસ્સામાંથી આ પૈસાનો ખર્ચ ઉપાડવો પડશે.
સમગ્ર દેશમાં "એક દેશ, એક ચૂંટણી" પર હાલ સર્વે ચાલી રહ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદની અધ્યક્ષતામાં બનેલી સમિતિ આ માટે 46 રાજકીય પક્ષો અને નાગરિકો પાસેથી સૂચનો મંગાવી રહી છે. અત્યાર સુધી અંદાજે 20,000થી વધુ સુચનો આ સમિતિને મળી ગયા છે. કહેવાય છે કે, 81% નાગરિકોએ "એક દેશ, એક ચૂંટણી"નું સમર્થન કર્યું છે એટલે કે, લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સાથે યોજાવી જોઈએ. જો બંને ચૂંટણી સાથે થાય છે તો તેનાથી દેશને થનારો કરોડો રૂપિયાનો ખર્ચ બચી શકશે અને નાગરિકોના નાણાથી અન્ય વિકાસલક્ષી કાર્યો હાથ ધરાઈ શકશે. ત્યારે બીજી તરફ વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપે તેવી અટકળોએ તાજેતરમાં જોર પકડ્યું છે. જો તેઓ રાજીનામું આપે છે તો તેના કારણે પેટા ચૂંટણી કરવાની નોબત ઊભી થશે. ત્યારે આ માટે સરકારી તંત્રએ ફરીથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરતા આનો ખર્ચ ઉપાડવાની પરિસ્થિતિ ઉદ્ભભવશે. એક તરફ વડાપ્રધાનથી લઈ અનેક રાજકીય અગ્રણીઓ "એક દેશ એક ચૂંટણી" માટેની હાકલ કરી રહ્યા છે. ત્યારે જો વડોદરામાં પેટા ચૂંટણી આવે છે તો તેનો બિનજરૂરી ખર્ચ નાગરિકોના માથે થોપી દેવાશે. આ સમયે ભાજપ જેવો અગ્રણી રાજકીય પક્ષો શું નિર્ણય લે છે? તેના પર પણ અનેક મહત્વના મદાર જોવાઈ રહ્યા છે.