જો આજે અને કાલે પણ વરસાદ પડે તો પ્રથમ નોરતે ગરબા યોજવા અશક્ય, ખેલૈયાઓ ચિંતામાં
Navratri 2024 : ગરબા પ્રેમી વડોદરામાં આ વખતે વરસાદ વિલન બન્યો છે. નવરાત્રિ પ્રારંભ થવાને હવે માંડ 3 દિવસ બાકી છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ગરબા મેદાનો તળાવ બની ગયા છે અને જો આવી જ પરિસ્થિતિ રહી તો ગરબાનું આયોજન વિલંબમાં પડે તેવું છે.
વડોદરાના ગરબા આયોજકો સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે આજે પણ ૩ ઇંચ વરસાદ વરસી ગયો.વરસાદની સ્થિતિ જોતા એવુ લાગી રહ્યું છે કે હજુ એક બે દિવસ વરસાદી વાતાવરણ રહેશે. જ્યાં સુધી વરસાદ પડતો રહે ત્યાં સુધી તો મેદાનો ઉપરથી પાણીનો નીકાલ કરવો શક્ય નથી એટલે હજુ બે દિવસ વરસાદ પડે તો પ્રથમ નોરતે ગરબા યોજવા શક્ય નથી.
3 ઇંચ વરસાદમાં મેદાનો તળાવ બન્યા
કેમ કે ગરબા મેદાન ઉપરાંત પાર્કિંગ અને ફુડકોર્ટ જેવા વિસ્તારોમાંથી કિચ્ચડ દુર કરવું અને લેવલિંગ કરીને મેદાન રમવા લાયક કરવા માટે પણ ઓછામાં ઓછા 24 કલાક જોઇએ એટલે બની શકે કે પ્રથમ નોરતે ગરબા યોજાય નહી. જો આવુ થશે તો એવી પણ એક વિચારણા છે કે દશેરાના દિવસે પણ ગરબા યોજીને એક દિવસ વધારવામાં આવશે. જો કે માતાજી પાસે એવી આશા રાખીએ કે સોમવારથી મેઘરાજા વિદાય લે અને સૂર્યનારાયણ દર્શન આપે તો વડોદરાના ખેલૈયાઓ પ્રથમ નોરતેથી જ મન મૂકીને રમી શકે.
વડોદરાની સ્કૂલોમાં આજે રજા જાહેર
ભારે વરસાદને પગલે વડોદરાની સરકારી-ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ- પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક એમ વડોદરા મહાનગરપાલિકાની તમામ શાળાઓમાં આજે (30મી સપ્ટેમ્બર) રજા જાહેર કરી દેવાઈ છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
છેલ્લા એક સપ્તાહથી વડોદરામાં વરસાદી માહોલ સર્જાયેલો રહ્યો છે. ગુરુવારે (26મી સપ્ટેમ્બર) 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ વરસ્યા બાદ શુક્રવાર અને શનિવારે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો હતો. શહેરમાં અતિભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરો તેમજ દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતાં. એક મહિના પહેલાં ધોધમાર વરસાદ અને બાદમાં આવેલા પૂરના દ્રશ્યો લોકોની નજર સમક્ષ ફરી વળ્યા હતાં. બે ક્લાકમાં ત્રણ ઈંચ વરસાદથી શહેરના મધ્યમાં આવેલ રાવપુરારોડ તેમજ દાંડિયા બજારરોડ પર ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતાં.
આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં આવેલા કેટલાંક ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. સંગમ સવાદ ક્વાટર્સમાં પણ પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતાં. આ ઉપરાંત વાઘોડિયારોડ પર આવેલી પ્રભુનગર સોસાયટીમાં અનેક લોકોના ઘરોમાં પાણી ભરાતા પાણીમાં ફર્નિચર ફરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં. ભારે વરસાદના પગલે અલકાપુરી ગરનાળું ભરાઇ જતાં વાહન વ્યવહાર માટે ફરી બંધ કરવું પડયું હતું જો કે વરસાદનું જોર ઘટયા બાદ પાણી ઓસરતા ગરનાળું વાહનોની અવરજવર માટે ફરી શરૂ કરી દેવામાં આવ્યું હતું.
વડોદરામાં ફરી પૂરસંકટ તોળાઇ રહ્યું છે
વડોદરામાં શનિવારની રાતથીજ વિશ્વામિત્રીની સપાટીમાં વધારો થતાં પૂરનો ખતરો ઊભો થયો હતો. કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા બે કલાકમાં તો જળબંબાકાર સ્થિતિ શહેરમાં સર્જી દીધી હતી. વિશ્વામિત્રી નદીનું જળસ્તર રવિવારે બપોરે જ એક ફૂટ વધ્યું હતું, તેમાં ધરખમ વધારો થવાની શરુઆત થતાંજ વડોદરામાં ફરી પૂરસંકટ તોળાઇ રહ્યું છે.