'ભારતમાલા'ની નોંધ રદ નહીં કરાય તો ખેડૂતો ચૂંટણી મેદાનમાં ઉતરશે
૫૦૦થી વધુ અસરગ્રસ્ત ખેડૂતોનું કમલમ્ ખાતે હલ્લાબોલ
ગાંધીનગર સહિત જિલ્લાને લાગુ પડતી ત્રણ લોકસભા બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓ ઉભા રાખવાની ચિમકીઃભાજપ ઉપાધ્યક્ષને આવેદનપત્ર
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ સુધીનો એકસપ્રેસ
હાઇવે બનાવવા માટે ગાંધીનગરના ખેડૂતોના ઉગ્ર વિરોધને લઇને ગાંધીનગરમાં સંપાદનની
પ્રક્રિયા હાથ ધરાઇ ન હતી ત્યારે હવે સરાકરે ૭-૧૨માં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત
જે તે સર્વે નંબરની જમીનનું સંપાદન કરવામાં આવનાર છે તેવા લખાણ સહિતની નોંધ
પાડવામાં આવી છે.જેના પગલે ખેડૂતોમાં રોષ ભભુકી રહ્યો છે. આ ઉપરાંત ભારતમાલા
પ્રોજેક્ટ ખોટા વિઝીબીલીટ રિપોર્ટના આધારે તૈયાર થયો હોવાને કારણે તે રદ કરીને નવો
રિપોર્ટ તૈયાર કરવા પણ વારંવાર માંગણી કરવામાં આવી હતી. તે વચ્ચે હાઇવે ઓથોરિટીએ
માપણી અને સંપાદનની પ્રક્રિયા હાથ ધરી દીધી હતી પરંતુ ચૂંટણીના કારણે તે શક્ય બની
નહીં આવી સ્થિતિમાં અસરગ્રસ્ત ખેડૂતો ફરી ભેગા થયા હતા. આજે છાલા ખાતે ૫૦૦થી વધુ
ખેડૂતો ભેગા થયા હતા અને આ બાબતે કમલમમાં ફરી રજુઆત કરવાનું નક્કી કર્યું હતું.
એટલુ જ નહીં, જો
સકારાત્મક ઉત્તર કે ઉકેલ સત્વરે ન મળે તો ચૂંટણી મેદાનમાં પણ ખેડૂત પ્રતિનિધિઓને ઉભા
રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
આ સાથે મોટી સંખ્યામાં
અસરગ્રસ્ત ખેડૂતો કમલમ પહોંચી ગયા હતા અને ત્યાં ઉપાધ્યક્ષને બહાર બોલાવીને
આવેદનપત્ર આપ્યું હતું જેમાં સત્વરે ખેડૂતો પ્રત્યે હકારાત્મક નિર્ણય અને નવો
રિપોર્ટ બનાવવાની માંગણી નહીં સંતોષવામાં આવે તો ફરી આંદોલન કરાશે તેવી ચિમકી
ઉચ્ચારવામાં આવી હતી.