વડોદરા જિલ્લા કલેકટર તરીકે બીજલ શાહે પદભાર સંભાળ્યો : સરકારી જમીન પરના દબાણો દૂર કરવાને પ્રાથમિકતા આપશે
વડોદરા,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર
વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરની બદલી થતા વડોદરા જિલ્લા કલેકટર તરીકે બિજલ શાહની નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. આજે તેઓએ જિલ્લા કલેકટર તરીકેનો પગાર સંભાળ્યો છે. તેમણે સરકારી જમીન ઉપરના દબાણો હટાવવા તથા અગાઉ તેમણે અન્ય જિલ્લાઓમાં જે રીતે વારસાઈ ઝુંબેશ હાથ ધરી હતી તેનો વડોદરામાં અમલ કરાવશે તેમ જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર તરીકે અતુલ ગોરની તાજેતરમાં બદલી કરવામાં આવી હતી. પરંતુ હરણી બોટ દુર્ઘટના અંગે રાજ્ય સરકારે તેમને તપાસ અહેવાલ સોંપવાનો આદેશ કરવાના કારણે તેમણે કેટલાક દિવસ વધુ વડોદરામાં રોકાણ માગ્યું હતું. તેઓએ નિયત સમય મર્યાદા કરતા થોડા વધુ દિવસો લઈ પોતાનો રિપોર્ટ તૈયાર કરી તે રાજ્ય સરકારને સુપ્રત કર્યો હતો અને વડોદરા કલેકટર તરીકેનો પોતાનો પદભાર છોડ્યો હતો. ત્યારે જિલ્લા કલેકટર તરીકે નિમણૂક પામેલા જામનગરના કલેક્ટર બીજલ શાહે આજે વડોદરા જિલ્લા કલેકટર તરીકે પોતાનો પદભાર સંભાળ્યો હતો. તેમનું જિલ્લા કલેકટર કચેરી ખાતે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, અગાઉના કલેકટરે જિલ્લાના વિકાસ માટે જે પ્રયાસો કર્યા છે તેને આગળ ધપાવવામાં આવશે. નિયત સમય મર્યાદામાં જે શ્રેષ્ઠ આપી શકાય તે લોકોને આપવાનો પ્રયાસ કરીશ. ખાસ કરીને સેવાકીય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેવન્યુ, એડમિનિસ્ટ્રેશનમાં જે સપોર્ટ કરવાનો છે તે કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ અન્ય જિલ્લામાં કાર્યભાર તરીકે મેં સુમોટો વારસાઈ ઝુંબેશ હાથ ધરી હતી તે પ્રમાણે વડોદરામાં પણ તેનો અમલ કરવામાં આવશે. વર્ષ 2010થી 2020 સુધી જે લોકોના મરણ થયા છે અને તેઓના વારસાઈના હક હોય તેવાને ત્યાં ઘરે જઈને તેમને સમજાવીને યોગ્ય પ્રક્રિયા હાથ ધરી તેમના વારસાઈના હક અપાવવાનો પ્રયાસ કરીશું. સરકારી જમીન ઉપર જો કોઈ દબાણ થઈ ગયા છે અને તેને કારણે સરકારી પ્રોજેક્ટ માટે અડચણરૂપ હશે તો આવી સરકારી જગ્યા ખુલ્લી કરાવવાની પ્રાથમિકતા રહેશે જેથી નિયત સમય મર્યાદામાં સરકારના પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે.