આઇ.ઓ.સી.એલ. કંપનીમાં હાઇડ્રા મશીનમાં આવી જતા શ્રમજીવીનું મોત
૫૦ લાખના વળતરની કંપની પાસે માંગણી કરી પરિવારજનો દ્વારા ડેડબોડી લઇ જવાનો ઇનકાર
વડોદરા,આઇઓસીએલ કંપનીમાં કામ કરતા સમયે હાઇડ્રો મશીનમાં ફસાઇ ગયેલા શ્રમજીવીનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. શ્રમજીવીના પરિવારજનોએ ૫૦ લાખના વળતરની માંગણી સાથે વિરોધ વ્યક્ત કરી ડેડબોડી લઇ જવાનો ઇનકાર કરતા કોલ્ડરૃમમાં બોડી મૂકવામાં આવી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મૂળ બિહારનો અને હાલમાં કંપનીના ક્વાર્ટરમાં જ રહે છે. આઇ.ઓ.સી.એલ. કંપનીમાં તે છેલ્લા બે મહિનાથી કોન્ટ્રાક્ટ પર મજૂરી કામ કરે છે. ગઇકાલે કંપનીમાં કામ કરતા સમયે હાઇડ્રા મશીનમાં તે આવી જતા ગંભીર ઇજાગ્રસ્ત થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યારબાદ તેની ડેડબોડી પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. પી.એમ. પછી પરિવારજનોએ ૫૦ લાખના વળતરની માંગણી કરી ડેડબોડી લઇ જવાનો ઇનકાર કર્યો હતો. કંપની દ્વારા હાલમાં બે લાખ આપવાનું કહી ઇન્સ્યોરન્સના રૃપિયા પણ આપવાનું કહ્યું હતું. પરંતુ, પરિવારજનો દ્વારા તાત્કાલિક રોકડા રૃપિયાની માંગણી કરવામાં આવી હતી. જેના પગલે વિવાદ થતા પોલીસે ડેડબોડી સયાજી હોસ્પિટલના કોલ્ડરૃમમાં મૂકાવી છે.
ઇન્સ્યોરન્સના રૃપિયા આવતા સમય લાગશે પણ પરિવારજનો રોકડા રૃપિયા માંગે છે
વડોદરા,પોલીસનું કહેવું છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા તમામ શ્રમજીવીઓનો ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે. પરંતુ, ઇન્સ્યોરન્સના રૃપિયા આવતા સમય લાગે તેમ છે. જ્યારે મૃતકના પરિવારજનો તાત્કાલિક રૃપિયા માંગે છે અને તે પણ કંપની પાસે. જેના કારણે વિવાદ થયો છે. હાલમાં પણ મૃતકના પરિવારજનોની મીટિંગ ચાલી રહી છે. પરંતુ, કોઇ ઉકેલ આવ્યો નથી.