Get The App

તમારું સંતાન વિદેશમાં ભણે છે તો તમને પણ આવી શકે છે 'સીબીઆઇ'નો ધમકીભર્યો ફોન, ચેતી જજો

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News

તમારું સંતાન વિદેશમાં ભણે છે તો તમને પણ આવી શકે છે 'સીબીઆઇ'નો ધમકીભર્યો ફોન, ચેતી જજો 1 - image

Cyber Fraud: સાયબર ગઠિયાઓએ હવે લોકોને ઠગવા માટે નવી તરકીબ અપનાવી છે.  અભ્યાસ માટે વિદેશમાં જવાનો ક્રેઝ વધતા  ગઠિયાઓ વિદેશ ગયેલા વિદ્યાર્થીના દેશમાં રહેતા વાલીઓને સીબીઆઇના નામે ફોન કરી ડ્રગ્સ કેસની ધમકી આપી પૈસા પડાવવાનો ખેલ શરૂ કર્યો છે.

સામાન્ય રીતે સાયબર ગઠિયાઓ બેંક એકાઉન્ટની વિગતો માંગી છેતરપિંડી કરતા હોય છે. આ ટ્રેન્ડ હવે જૂનો થઇ ગયો છે તેમજ ભેજાબાજોની તરકીબ પણ જાણીતી થઇ જતા તેઓ દેશની કોઇ સુરક્ષા એજન્સીના નામે ફોન કરી પૈસા વસૂલવાના નામે છેતરપિંડી કરતા થયા હતાં. બાદમાં આ સુરક્ષા એજન્સીના નામે ડિજિટલ ધરપકડ કરાવી પૈસા પડાવવાના અનેક કેસો બહાર આવી રહ્યા છે.

સાયબર ઠગોના હાથમાં હવે નવું હથિયાર આવ્યું છે. ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં સંતાનોને મોકલતા વાલીઓના નંબરો મેળવી તેઓને કોલ કરી હું સીબીઆઇમાંથી બોલું છું તમારો પુત્ર અથવા પુત્રી ડ્રગ્સ કેસમાં ફસાયા છે તેમ જણાવી પૈસા પડાવવાનો ખેલ શરૂ કરી દીધો છે. આ ઠગો આવા વિદ્યાર્થીઓના ડેટા મેળવીને તેમના માતા-પિતાને ટાર્ગેટ કરી રહ્યા છે. 

લોન લઇ અથવા જમીન-મિલકત ગીરવી મૂકી સંતાનોને વિદેશ અભ્યાસ માટે મોકલે એટલે આર્થિક રીતે આમ પણ વાલીઓ ચિંતામાં રહેતા હોય છે અને પછી સીબીઆઇના નામે  ફોન આવે અને ધમકીભર્યા શબ્દો ઉચ્ચારવામાં આવે ત્યારે વાલીને પરસેવો છૂટી જતો હોય છે. ઘણી વખત પોતાના સંતાન પાસે આ વાતની સત્યતા જાણવા માંગે તે પહેલાં કેટલાંય રૂપિયા ભેજાબાજો પડાવી ચૂક્યા હોય છે.

 વિદ્યાર્થીઓના વાલીઓના નંબરો ઠગો પાસે પહોંચ્યા કેવી રીતે 

સાયબર ઠગો પાસે ચોક્કસ વ્યક્તિઓના નંબરો કેવી રીતે પહોંચી જાય છે તે ચિંતાનો વિષય છે. બેંક એકાઉન્ટોની વિગતો મેળવીને તેઓ ખાતાધારકને ટાર્ગેટ કરતા હોય છે હવે આ ઠગો પાસે વિદેશ અભ્યાસ માટે ગયેલા સંતાનોના વાલીઓના નંબરો આવી ગયા છે. તેઓ વાલીઓને ટેન્શનમાં મૂકી દે તેવા ફોન કરે છે અને ગર્ભિત ધમકી આપીને પૈસા પડાવતા હોય છે. ગભરાયેલા વાલીઓને જ્યારે ખબર પડે કે આપણે છેતરાયા છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હોય છે.

વોટ્સએપ કોલમાં સ્ક્રિન પર સીબીઆઇ લખાણથી વધારે ગભરાટ

સાયબર ક્રાઇમ માટે વિદેશ અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓના માતા-પિતાને ફોન કરી પૈસા પડાવવાની તરકીબ અપનાવવામાં આવી રહી છે. સાયબર ઠગો મોટેભાગે આવા વાલીઓને છેતરવા માટે વોટ્સએપ કોલનો ઉપયોગ કરે છે. વાલીના મોબાઇલના સ્ક્રિન પર સીબીઆઇ લખાણ હોય છે એટલે શરૂઆતમાં તો એવું માની લેવાય છે કે સીબીઆઇની કોઇ ઓફિસમાંથી જ ફોન છે. આ કોલ વાલી ઉપાડે એટલે હિન્દી ભાષામાં 'સીબીઆઇ સે બોલ રહા હું' તેમ કહી વાલીને ફસાવવાની ચાલ રમે છે.

સુરક્ષા એજન્સીના નામે ફોન આવે તો સતર્ક રહેવું જરૂરી છે

સાયબર ઠગો દ્વારા નિર્દોષ વ્યક્તિઓ પાસેથી પૈસા પડાવવા માટે રોજે રોજ નવી ફોર્મ્યૂલા અપનાવવામાં આવે છે. ફોનકોલ આવે તો કોઇ માહિતી શેર નહી કરવા માટે સાયબર પોલીસ અધિકારીઓ જણાવે છે. કોઇ સુરક્ષા એજન્સીના નામે ફોન આવે તો તેઓની વાતમાં નહી આવવું તેમજ જે તે એજન્સીની ઓફિસમાં તપાસ કરવી જોઇએ. પૈસા પડાવવાની વાત કરે ત્યારે સમજી લેવાનું કે આ સુરક્ષા એજન્સીના નામે ફેક કોલ છે. પોલીસ જણાવે છે કે જેટલાં સતર્ક રહીશું એટલા ઠગો સામે સફળ રહીશું.

વીમા પોલિસીના કમિશનના નામે પણ પૈસા પડાવતા ઠગો

સાયબર ઠગો દ્વારા વીમા પોલિસીના કમિશનના નામે પણ છેતરપિંડી થતી હોય છે. વીમા પોલિસીની વિગતો પણ આ ઠગો પાસે પહોંચી જાય છે. ખાનગી અથવા સરકારી વીમા કંપનીઓની વિગતો ઠગો પાસે પહોંચ્યા બાદ ઠગો જે તે વિમાધારકને ફોન કરી તમારી પોલિસીનું કમિશન એજન્ટના ખાતામાં જમા થાય છે તમારે જોઇતું હોય તો વિગતો અપડેટ કરવી પડશે તેમ કહી વિમાધારક પાસેથી વિગતો મેળવી લઇ બેંક એકાઉન્ટ ખાલી કરી નાંખે છે.


Google NewsGoogle News