આપઘાતની ધમકી આપનાર પત્નીને પતિએ દરવાજો તોડી છેલ્લી ઘડીએ બચાવી લીધી
image : Freepik
વડોદરા,તા.24 ફેબ્રુઆરી 2024,શનિવાર
વડોદરા છાણી વિસ્તારમાં એક પરણીતાએ તેના કહ્યું નહીં કરનાર પતિને આત્મહત્યા કરી લેવાની ધમકી આપતા પતિએ દરવાજો તોડીને છેલ્લી ઘડીએ બચાવી લીધી હતી.
છાણી વિસ્તારની પરણીતાએ થોડા સમય પહેલા લગ્ન કર્યા હતા.તેની સાથે વિધવા સાસુ રહેતા હતા. લગ્ન બાદ થોડા સમયમાં પરણીતાએ એક સંતાનને જન્મ પણ આપ્યો હતો.
કેટલાક સમયથી પતિ પત્ની વચ્ચે નજીવી બાબતોમાં કલેશ થતો હતો. ગઈકાલે પતિ તેની માતાને લઈ માસીને ત્યાં મળવા માટે ગયો ત્યારે પત્નીએ ફોન કરીને પતિને તાત્કાલિક પાછા ઘેર આવી જવા કહ્યું હતું.
પતિએ થોડી વાર બાદ અમે આવીશું તેમ કહેતા પત્નીનું મગજ ફટક્યું હતું અને તેણે પાછા નહીં આવે તો ફાંસો ખાઈ આપઘાત કરવાની ધમકી આપી હતી. ગભરાયેલો પતિ તરત જ માતા સાથે પરત ફર્યો હતો. આ માતાએ અભયમને જાણકારી મદદ પણ લઈ લીધી હતી.
આ વખતે મકાનનો દરવાજો અંદરથી બંધ હોવાથી પતિ પાછળનો દરવાજો તોડી અંદર ગયો હતો. પત્ની પંખા સાથે ઓઢણી બાંધી ફાંસો ખાવાની તૈયારી કરતી હોવાથી પતિએ તેને બચાવી લીધી હતી. ત્યારબાદ અભયમની ટીમ અને પોલીસે પરણીતાનું કાઉન્સેલિંગ કરતા તેણે હવે પછી આમ નહીં કરું તેવી ખાતરી આપી હતી.