પ્રેમલગ્નના આઠ માસમાં જ પ્રેમ ઉતરી ગયો પતિ, સાસુ, સસરાએ મારતા યુવતીએ પોલીસ સ્ટેશનમાં રાત વિતાવવી પડી
જુનાગઢની યુવતીએ ફરિયાદ કરતાં પતિએ કોર્ટમાં સમાધાન કર્યું પરંતુ ફરી શારીરિક, માનસિક ત્રાસ ગુજાર્યો
વડોદરા, તા.29 વડોદરા નજીક વરણામા ગામના યુવક સાથે જુનાગઢની યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ પતિ, સાસુ અને સસરાએ ત્રાસ ગુજારવાનું શરૃ કરી ઘરમાંથી કાઢી મૂકવાનું દબાણ કરતાં મામલો આખરે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
જુનાગઢના બીલખારોડ પર આંબેડકરનગરમાં રહેતા હર્ષાબેને વરણામામાં રહેતા પતિ સચિન, સસરા પંકજભાઇ અને સાસુ રમીલાબેન સામે એટ્રોસિટિ સહિતની કલમો સાથે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે વર્ષ-૨૦૨૦માં હું વડોદરાની ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે સચિન મને અવારનવાર મેસેજ મોકલતો હતો. બાદમાં અમારી વચ્ચે પ્રેમસંબંધ થયો હતો અને લગ્ન કરી હું સાસરીમાં વરણામા આવી હતી.
શરૃઆતના આઠ મહિના સારી રીતે પસાર થયા બાદ સાસુ અને સસરાએ તારા મા-બાપે એક રૃપિયાની પણ વસ્તુ આપી નથી કે દાગીના આપ્યા નથી તેમ કહી ત્રાસ ગુજારવાનું શરૃ કર્યું હતું. તેઓ મારા પતિને ઉશ્કેરતા તેઓ પણ મને ત્રાસ આપતા હતાં. વર્ષ-૨૦૨૨માં જુનાગઢ મહિલા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં સમાધાન થયું હતું અને હું પરત સાસરીમાં આવી હતી. જો કે માત્ર એક સપ્તાહમાં જ પતિએ મારી પાસે છૂટાછેડાની માંગણી કરી હતી, મારા સાસુ મને જમવાનું આપતા ન હતા અને જમવાની વસ્તુઓ સંતાડી દેતાં હતાં. કેટલીક વખત હું ભૂખી રહેતી હતી.
થોડા દિવસો પહેલાં મને પતિ, સાસુ અને સસરાએ ઢોર માર મારતાં મેં સારવાર લીધી હતી અને પછી વરણામા પોલીસ સ્ટેશનમાં ગઇ ત્યારે જમાદારે મારા પતિને ફોન કરતાં પતિએ કહ્યું કે અમારે તેને જોઇતી નથી, અમે લેવા નહી આવીએ. બાદમાં આખી રાત હું પોલીસ સ્ટેશનમાં જ રોકાઇ હતી. બીજા દિવસે અભયમ અને વકીલની મદદથી હું ઘેર ગઇ ત્યારે પણ મને ઢોર માર મારતાં મારા હાથે ફેક્ચર થઇ ગયું હતું. હાલ હું પિયરમાં રહું છું.