વીડિયોકોલ પર પત્નીએ નગ્ન થવાની ના પાડી, પતિએ છૂટાછેડાની ધમકી આપી

પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ પડાવી છૂટાછેડા આપીશ તો જ મળશે તેવી ધમકી આપતા પતિ અને સાસરિયાઓ સામે ફરિયાદ

Updated: Oct 17th, 2023


Google NewsGoogle News
વીડિયોકોલ પર પત્નીએ નગ્ન થવાની ના પાડી, પતિએ છૂટાછેડાની ધમકી આપી 1 - image

વડોદરા, તા.17 લગ્નના ૧૦દિવસ બાદ પતિ તેમજ સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યા બાદ લંડન ગયેલા પત્નીએ વીડિયો કોલ પર નગ્ન થવાની ના પાડતાં પત્નીને મારી નાખવાની તેમજ પાસપોર્ટ સહિતના દસ્તાવેજો પડાવી લઇ છૂટાછેડા આપે તો જ ડોક્યુમેન્ટ પરત મળશે તેવી ધમકી પતિએ આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

પાદરામાં રહેતી ૨૦ વર્ષની યુવતી ખુશીએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૬ જાન્યુઆરીના રોજ કપડવંજમાં રહેતા પાર્થ સાથે મારા લગ્ન થયા બાદ હું સાસરીમાં સંયુક્ત કુટુંબમાં રહેવા ગઈ હતી. લગ્નના ૧૦ દિવસ સુધી પતિ અને સાસરિયાઓએ મારી સાથે સારું વર્તન રાખ્યું હતું ત્યારબાદ હું માતા-પિતા સાથે વાત કરું તો પતિ વાત કરવા દેતો ન હતો અને હવે તું મારી પત્ની છે એટલે હું તને કહું તેમ જ કરવાનું હવેથી તારે તારા પિયરમાં કોઈપણ વ્યક્તિને મને પૂછયા વગર ફોન કરવો નહીં તેમ કહ્યું હતું. આ અંગે મેંં મારા સાસુને જાણ કરતા તેઓ પણ ગુસ્સે થઈ ગયા હતા અને હવે તું આ ઘરની વહુ થઈ ગઈ છે તારે પાર્થ કહે તેમ જ કરવાનું તેમ કહ્યું હતું.

લગ્નના ૧૨ દિવસ બાદ પતિને વર્ક પરમિટ વિઝા મળતા તે લંડન ગયા હતા આ સમયે સાસુ મને કહેતા તારા બાપે કશું આપ્યું નથી કશું શીખવાડયું નથી તને ઝઘડા કરતા જ આવડે છે. માનસિક ત્રાસની જાણ મેં મારા દાદાસસરા અને દાદીસાસુને કરી ત્યારે તેઓ પણ મને કહેતા કે તને ના ફાવે તો અહીંથી જતી રહેજે અમારે તારું કામ નથી અમે પાર્થનું બીજું લગ્ન કરાવી આપીશું. થોડાક સમય બાદ પતિનો મારા પર વીડિયો કોલ આવ્યો હતો અને મને નિર્વ થવાનું કહ્યું હતું. મેં તેમ કરવાનું ના કહેતા પતિએ મને મારી નાખવાની ધમકી આપી છુટાછેડા આપી દેવાનું કહ્યું હતું.

મેં મારા માતા-પિતાને બોલાવતા તેઓ સાસરીમાં આવીને મને પિયરમાં પરત લઈ ગયા હતા. બાદમાં મારા માસાસસરા અને માસીસાસુ મારા પિયરમાં આવ્યા હતા અને જણાવેલ કે ખુશીને તેના પતિ સાથે લંડન મોકલવાની છે તો પાસપોર્ટ ચૂંટણી કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ આપો. આ ડોક્યુમેન્ટ મેં તેઓને આપ્યા બાદ મારા માતા-પિતા મને સાસરીમાં મૂકવા આવ્યા હતા તે વખતે મારા સાસરિયાઓ તું છુટાછેડા આપી દે નહીં તો તને પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ્સ નહીં મળે તેવી ધમકી આપી હતી. ઉપરોક્ત વિગતો અંગેની ફરિયાદ પાદરા પોલીસ સ્ટેશનમાં પતિ પાર્થ, સસરા અરુણભાઈ, સાસુ સોનલબેન, દાદાસસરા ઘનશ્યામભાઈ, દાદીસાસુ સૂર્યાબેન, માસાસસરા અજયભાઈ અને માસીસાસુ જયશ્રીબેન સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News