પત્નીને છૂટાછેડા માટે ૧૦ લાખ ના આપવા પડે તે માટે હત્યા કરીને પતિ ફરાર
પોલીસે હત્યારા પતિને ઝડપી પાડયો : પુત્રે પોલીસને ફોન કરી તપાસ કરવા જણાવતા હત્યાનો કિસ્સો બહાર આવ્યો
વડોદરા,પત્નીને છૂટાછેડા માટે ૧૦ લાખ આપવા ના પડે તે માટે પતિએ જ તેની હત્યા કરી હતી. હત્યા કર્યા પછી લાશને ઘરમાં સોફા પર જ છોડી દઇ દરવાજાને બહારથી તાળું મારીને પતિ ફરાર થઇ ગયો હતો. જ ે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી પતિને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બામણી ગામે રહેતા પિનલભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ ખેતી કામ કરે છે. અટલાદરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પિતા અમેરિકા રહે છે. મારી મમ્મી ભવ્યતાબેન સાથે વર્ષ - ૨૦૧૪ માં છૂટાછેડા થયા હતા.મારી સૌથી મોટી બહેન કરિશમા ઓસ્ટ્રેલિયા ખાતે રહે છે. તેનાથી નાની બહેન કાજલ અમેરિકા રહે છે. હું અને મારી માતા ભવ્યતાબેન તેમના પિયરમાં વાંકાનેર ગામ બારડોલી ખાતે રહે છે. મારી મમ્મીના છૂટાછેડા થયા તે વર્ષથી મારી મમ્મીએ કેતન પ્રવિણભાઇ પટેલ ( નાકરાણી) ( રહે. પરમ એવન્યુ, બિલ તળાવ પાસે, બિલ ગામ, વડોદરા, મૂળ રહે. ભાવનગર) સાથે લગ્ન કર્યા હતા. તેઓ જુદી - જુદી જગ્યાએ રહેતા હતા. મારી મમ્મી ફોન પર મારી તથા મારી બંને બહેનો સાથે સંપર્કમાં રહેતી હતી.
મારી મમ્મીએ છેલ્લા બે મહિનાથી છૂટાછેડા લેવા માટે કોર્ટમાં કેસ કર્યો છે. કેતને મારી મમ્મીને પાંચ પાંચ લાખના બે ચેક આપ્યા હતા.ગત તા.૨૭ મી મે ના રોજ મારી મમ્મીએ મને કહ્યું હતું કે, કેતન છૂટાછેડા બાબતે ઝઘડા કરી માર મારે છે.બીજે દિવસે મારી બહેનેે પણ મમ્મી સાથે વાત કરી હતી. ત્યારબાદ મારી મમ્મીને અવાર - નવાર ફોન કરતા તે રિસિવ કરતા નહતા. જેથી, મેં અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફોન કરી પી.આઇ. સાથે વાત કરી હતી. ૩૧ મી તારીખે અટલાદરા પોલીસે ફોન કરીને જાણ કરી હતી કે, ઘરના દરવાજાની બહાર તાળું મારેલું છે. ઘરમાંથી દુર્ગંધ આવે છે. ફાયરબ્રિગેડના સ્ટાફને બોલાવી કટરથી તાળું કાપી દરવાજો ખોલતા મારી મમ્મી સોફા પર મરણ ગયેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું.
અમે ત્યાં આવીને જોતા બેઠક રૃમમાં સોફા પર તથા ટાઇલ્સ પર લોહીના ડાઘ હતા. ઘરમાંથી છૂટાછેડાના કાગળો મળ્યા હતા. છૂટાછેડા માટે કેતનને દશ લાખ આપવા ના પડે તે માટે તેણે મારી મમ્મીનું મોત નિપજાવી ઘરનો દરવાજો બહારથી બંધ કરી ભાગી ગયો હતો. જે અંગે અટલાદરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનો નંબર એક્ટિવેટ કરતા જ પોલીસે લોકેશનના આધારે ઝડપી પાડયો
વડોદરા,આરોપી શેરબજારમાં રૃપિયા હારી ગયો હતો. તેણે પત્નીનું ૨૫ તોલા સોનુ વેચી દીધું હતું. છૂટાછેડા સમયે આરોપીને ૧૦ લાખ આપવાના હતા. તેણે આપેલા ચેકની તારીખ ૩૧ મી હતી. પરંતુ, તે પહેલા જ તેણે હત્યા કરી હતી. હત્યા કર્યા પછી તે અમદાવાદ, દિલ્હી, ગોરખપુર, વારાણસી, નેપાળ અને ત્યારબાદ લખનૌ આવ્યો હતો. તેણે નવું સીમ કાર્ડ લઇ લીધું હતું. પરંતુ, ઓટીપી મેળવવા તેણે જૂનો નંબર એક્ટિવેટ કરતા પોલીસે લોકેશનના આધારે તેને ઝડપી લીધો હતો.