હાઇવે દુમાડ ચોકડી પાસે બાઇક સવાર દંપતીને ટેમ્પો ટ્રાવેલરે ટક્કર મારતા પતિનું મોત
રણોલી બ્રિજ પાસે બાઇકને ટેમ્પોએ ટક્કર મારતા મહિલાનું મોત : બે ને ઇજા
વડોદરા, દુમાડ ચોકડી પાસે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ પુરાવીને રોડ પર આવતા બાઇક સવાર દંપતીને ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવરે ટક્કર મારતા પતિનું મોત થયું છે. જ્યારે પત્નીને ઇજા થઇ હતી. સમા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેર નજીકના દોડકા ગામે રહેતો શ્રમજીવી જીગર ગોપાલભાઇ વાઘેલા ગઇકાલે બપોરે બાઇક પર બહેન જૈમિની ( ઉં.વ.૨૨) તથા માતા લીલાબેન ( ઉં.વ.૪૫) ને લઇને દોડકાથી સમા ચાણક્યપુરી પાસે ગિરધર કૃપા સોસાયટીમાં રહેતા તેના માસી તારાબેન કમલેશભાઇ વણકરના ઘરે મળવા ગયા હતા. સાંજે તેઓને મળીને જીગર માતા અને બહેનને બાઇક પર બેસાડી ત્રણ સવારી ઘરે પરત આવવા માટે નીકળ્યો હતો. પોણા છ વાગ્યે તે દશરથ બ્રિજ ઉતરી રણોલી બ્રિજ ચડતો હતો. તે દરમિયાન પાછળથી આવતા એક ટેમ્પાના ચાલકે ટક્કર મારતા ત્રણેય રોડ પર ફંગોળાયા હતા. બહેનને જમણા હાથે તેમજ ખભાના ભાગે ઇજા પહોંચી હતી. જ્યારે માતાને માથાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. છાણી પોલીસે ભાગી છૂટેલા ટેમ્પાના ડ્રાઇવર સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક બનાવમાં વિક્રમભાઇ ભીખાભાઇ નાયક (ઉં.વ.૩૮) અને તેમના પત્ની રેખાબેન આજે સવારે દુમાડ ખાતે આવેલા કુલદીપસિંહ મહીડાના ફાર્મ હાઉસ પરથી વતન બોડેલી જવા માટે નીકળ્યા હતા. હાઇવે દુમાડ ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીને તેઓ રોડ પર આવતા હતા. તે સમયે ફર્ટિલાઇઝર તરફથી આવતી ટેમ્પો ટ્રાવેલ ગાડીએ ટક્કર મારતા દંપતી રોડ પર ફંગોળાયું હતું. વિક્રમ નાયકને માથા તથા કાનમાંથી લોહી નીકળતું હતું અને તેઓ બેભાન થઇ ગયા હતા. જ્યારે રેખાબેનને કપાળ અને પીઠના ભાગે ઇજા થઇ હતી. તેઓને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ, વિક્રમનું મોત થયું હતું. પોલીસે ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવરની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.