US ગયેલી પત્નીને પજવવા પતિએ સોશ્યલ મીડિયા પર 200 જેટલા ફેક એકાઉન્ટ બનાવ્યા
પતિની ધમકી એક કલાકમાં તારું મોત લાવી દઇશ..મંદિરને બદલે ચર્ચમાં જવા દબાણ
વડોદરાઃ અમેરિકામાં અભ્યાસ માટે ગયેલી છાણી વિસ્તારની યુવતીને તેના પતિએ સોશ્યલ મીડિયા મારફતે પજવણી કરતો હોવાની ફરિયાદ યુવતીના પિતાએ નોંધાવતા છાણી પોલીસે ગુનો નોંધ્યો છે.
હાલમાં યુએસમાં અભ્યાસ કરતી યુવતીના હિન્દુ પિતાએ પોલીસને કહ્યું છે કે,મારી પુત્રીએ નજીકમાં રહેતા સેલ્વિન નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.જેની જાણ મને પછીથી થઇ હતી.લગ્ન બાદ મારી પુત્રી પર ત્રાસ ગુજારવામાં આવતો હોવાથી મેં શી ટીમની મદદ લઇ તેનો કબજો લીધો હતો.ત્યારબાદ મારી પુત્રીએ ડીવોર્સ માટે કોર્ટમાં અરજી આપી હતી અને અભ્યાસ માટે યુએસ ગઇ હતી.
પિતાએ કહ્યું છે કે,મારી પુત્રીએ તેના મેલ પરથી મને જાણ કરી છે કે,તેનો પતિ હજી પણ તેને પજવી રહ્યો છે.પતિના ત્રાસથી બચવા માટે તેણે ૬ હજાર ડોલર,આઇફોન અને બ્રાન્ડેડ શૂઝ વગેરે ચીજો મોકલી હતી. તેનો પતિ અને મળતિયાઓ હજી પણ પજવી રહ્યા છે.સોશ્યલ મીડિયા પર ૧૮૦ થી ૨૦૦ જેટલા ફેક એકાઉન્ટ બનાવીને ગંદા મેસેજો મોકલી હેરાન કરવામાં આવી રહી છે.જેના સ્ક્રીનશોર્ટ મને મોકલ્યા છે.
આ ઉપરાંત પતિ કોર્ટ કેસની ફી ની માંગણી કરી રહ્યો છે અને એક કલાકમાં મોત લાવી દઇશ તેવી ધમકી આપી હતી.તે મંદિરમાં જવાને બદલે ચર્ચમાં જવા દબાણ કરી રહ્યો છે.છાણી પોલીસે આ ફરિયાદને આધારે સેમ્યુલ પરમાર સામે ગુનો નોંધ્યો છે.