ગોરવામાં પત્ની હત્યા કરી યુપી ફરાર થઇ ગયેલો પતિ ઝડપાયો,નવા કાયદા મુજબનું ઇન્વેસ્ટિગેશન ચર્ચામાં રહ્યું
વડોદરાઃ ગોરવા પોલીસ સ્ટેશનમાં પત્નીની હત્યા કરવાના બનાવમાં પતિ સામે નવા કાયદા મુજબ નોંધાયેલા હત્યાના પહેલા ગુનામાં ઇન્વેસ્ટિગેશનની તજવીજ પોલીસ બેડામાં ચર્ચાના કેન્દ્રમાં રહી હતી.
ગોરવાના સોફિયા પાર્કમાં રહેતા મોઇન ખાન પઠાણે દહેજમાં લીધેલી બાઇકના હપ્તાની રકમ પિયરમાંથી લાવવા માટે પત્નીને ત્રાસ આપી માથામાં તવો મારતાં લોહીલુહાણ થયેલી પત્નીનું મોત થયું હતું.જેથી ગોરવાના પીઆઇ કિરિટ લાઠિયાએ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નવા કાયદાનો અમલ થયા બાદ નવી કલમ મુજબ હત્યાનો પહેલો ગુનો નોંધાતા ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઇએ ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન મુજબ નવા કાયદા મુજબ ઇન્વેસ્ટિગેશન કર્યું હતું.જેમાં તેમણે સ્થળ પર જઇ પંચનામાની વીડિયોગ્રાફી કરી હતી અને સાક્ષીઓના નિવેદનોની પણ વીડિયોગ્રાફી કરી હતી.
અત્યાર સુધી આ પ્રક્રિયા અધિકારીના તાબા હેઠળના માણસો પણ કરતા હતા.તેની વીડિયોગ્રાફી કરવામાં આવતી ન હતી અને નિવેદનો પણ ગમે ત્યારે લઇ શકાતા હતા.પરંતુ હવે આ પ્રક્રિયા ઓનલાઇન થઇ ગઇ છે.જેથી તપાસ અધિકારીએ આ પ્રક્રિયા કર્યા બાદ ઓનલાઇન સબમિશન પણ કર્યું હતું.
પત્ની પર જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયેલા પતિને પોલીસે દબોચી લીધો
ઘાતકી હુમલો કર્યા બાદ યુપી ફરાર થઇ ગયો હતો,વકીલને મળવા આવનાર હોવાની જાણ થતાં જ ઝડપી પાડયો
દહેજમાં લીધેલી બાઇકના હપ્તાની રકમ લઇ આવવા માટે પત્ની પર અત્યાચાર ગુજારી માથામાં તવો ફટકારીને હત્યા કરનાર પતિને ગોરવા પોલીસે ઝડપી પાડયો છે.
પ્રાથમિક વિગતો મુજબ,પત્ની પર જીવલેણ હુમલો કર્યા બાદ મોઇનખાન ભુરેખાન પઠાણ(સોફિયાપાર્ક,મધુનગર પાસે, ગોરવા) ફરાર થઇ જતાં ગોરવા પોલીસ તેને શોધી રહી હતી.
મોઇનખાન યુપી ફરાર થઇ ગયો હોવાની અને તેના વકીલને મળવા માટે વડોદરા આવ્યો હોવાની વિગતો મળતાં ગોરવાના પીઆઇએ વોચ ગોઠવી હતી.જે દરમિયાન બોરિયા તળાવ પાસે તે ઝડપાઇ ગયો હતો.ધરપકડની કાર્યવાહીમાં નવા કાયદામાં કોઇ ખાસ ફેર નહિં હોવાથી પોલીસે તેની સત્તાવાર ધરપકડ કરવાની અને સબંધીને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
વીડિયોગ્રાફી દરમિયાન વિક્ષેપ ના પડે તે માટે પોલીસ સ્ટેશનોમાં અલાયદા ફોન આપવાની વિચારણા
હાલમાં તપાસ અધિકારી પોતાના ફોન થી વીડિયોગ્રાફી કરતા હોઇ ખલેલ પહોંચે તેવી શક્યતા છે
ગંભીર ગુનાની તપાસ દરમિયાન નવા કાયદા મુજબ વીડિયોગ્રાફી જરૃરી હોવાથી પોલીસ દ્વારા પોતાના અંગત મોબાઇલનો ઉપયોગ કરવામાં આવે છે.
પંચનામાની કે બીજી કાર્યવાહીની વીડિયોગ્રાફી દરમિયાન કોઇનો ફોન આવી જાય તો વીડિયોગ્રાફીમાં ખલેલ પહોંચે તેવી શક્યતા દેખાય છે.
જેથી આગામી સમયમાં આવી તપાસો માટે પોલીસ સ્ટેશન દીઠ અલાયદા ફોન આપવામાં આવે તેવી વિચારણા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.