દીકરીને સાસરીમાં મળવા ગયેલી મહિલા પર સાસરિયાઓનો હુમલો
પતિએ લાકડીથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી
વડોદરા,દીકરીને સાસરીમાં મળવા ગયેલી મહિલા પર પતિ,સાસુ,સસરા અને નણંદે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તરસાલી ધનિયાવી ચાર રસ્તા પાસે શ્રીજી આંગન ડૂપ્લેક્સમાં રહેતા દિવ્યાબા વિજયસિંહ ગોહિલ એક્સિસ બેન્કની અકોટા શાખામાં નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૫ મી એ સવારે દશ વાગ્યે હું મારી દીકરી દિવ્યાક્ષીને મળવા મારી સાસરીમાં ગઇ હતી. ત્યારે મારા પતિ વિજયસિંહે મને કહ્યું કે, તું કેમ અહીંયા આવી છે ? તેઓ ઉશ્કેરાઇને મને ગાળો બોલવા લાગ્યા હતા. તેમજ ઘરમાંથી લાકડી લઇ આવી મને માર માર્યો હતો. મારા સસરા પ્રતાપસિંહ મારા વાળ પકડી કંપાઉન્ડના ગેટ પર મારૃં માથું અફાળ્યું હતું. મારા દેરાણી હિનાબેને મને લાકડીથી માર માર્યો હતો. તેમજ સાસુ ભારતીબેને પણ માર માર્યો હતો. મારા પતિએ મારૃં ગળું દબાવી ધમકી આપી હતી કે, હવે પછી જો તું અહીંયા આવી છે તો તને જાનથી મારી નાંખીશ.
પિતા - પુત્રે પી.એસ.આઇ.સાથે ઝપાઝપી કરતા ગુનો દાખલ
અરજીની તપાસમાં નિવેદન લખાવવા માટે પોલીસ ચોકી બોલાવ્યા હતા
વડોદરા,મકરપુરા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજી અનુસંધાને તરસાલી ચોકીના હે.કો. પરેશભાઇએ સામાવાળા વિજયસિંહ પ્રતાપસિંહ ગોહિલ તથા તેના પિતા પ્રતાપસિંહ ચંદનસિંહ ગોહિલ ( બંને રહે. ગીતાંજલિ ડૂપ્લેક્સ, નોવિનો તરસાલી રોડ) ને નિવેદન લખવા માટે બોલાવ્યા હતા. બંનેને પોલીસ જવાને અરજી સંબંધે પૂછતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. પોલીસ દ્વારા તેઓને સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી. પરંતુ, પિતા પુત્રે પી.એસ.આઇ. સાથે ઝપાઝપી કરી હતી. જેમાં જમણા હાથના અંગુઠા પર ઇજા પહોંચી હતી. ત્યારબાદ તેઓ ભાગવા જતા પોલીસે જરૃરી બળ વાપરી તેઓને પકડી લીધા હતા.