પરીક્ષા વચ્ચે વડોદરાની સ્કૂલોમાં મતદાન જાગૃતિ માટે આજે માનવ સાંકળ બનાવાશે
વડોદરાઃ વડોદરામાં લોકસભા ચૂંટણી માટે તંત્ર વધુને વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યુ છે.જેના ભાગરુપે મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.દરેક ચૂંટણીની જેમ આ કાર્યક્રમોમાં સ્કૂલોને પણ સામેલ કરવામાં આવી છે.
સ્કૂલોમાં હાલમાં ચાલી રહેલી પરીક્ષા વચ્ચે પણ આવતીકાલે, શુક્રવારે વડોદરા શહેર અને જિલ્લાની ૧૪ જેટલી સ્કૂલોમાં માનવ સાંકળના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ છે.સવારે સાત વાગ્યાથી ૧૧ વાગ્યા સુધીમાં આ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ માટે માનવ સાંકળ બનાવશે.કુલ મળીને ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ તેમાં ભાગ લેશે.
સ્કૂલોના આચાર્યો માટે જોકે હાલમાં ચાલી રહેલી વાર્ષિક પરીક્ષા વચ્ચે વિદ્યાર્થીઓને આ પ્રકારના કાર્યક્રમોમાં સામેલ કરવાનુ પણ મુશ્કેલ બની રહ્યુ છે.ઉપરાંત હાલમાં ચાલી રહેલા આકરો ઉનાળો પણ ચિંતાનો વિષય બની રહ્યો છે.જોકે તંત્રના આદેશ સામે સ્કૂલો કશું બોલી શકે તેમ નથી.માનવ સાંકળ બાદ સ્કૂલોમાં તા.૧૬ એપ્રિલના રોજ રંગોળીનુ આયોજન કરાયુ છે.
તા.૨૮ એપ્રિલના રોજ વોટેથોન યોજાશે તથા તા.૩૦ના રોજ સાયકલ રેલી યોજાશે.જેમાં પણ સ્કૂલોને સામેલ થવા માટે કહેવાયુ છે.આ બે કાર્યક્રમો યોજાશે ત્યારે સ્કૂલોમાં વેકેશન પડી ચુકયુ હશે અને તે સમયે વોટેથોન તેમજ સાયકલ રેલી માટે વિદ્યાર્થીઓ એકઠા કરવાની સ્કૂલોને તકલીફ પડશે.
આ પહેલા મતદાન જાગૃતિ માટે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞાા લેવડાવવાની તેમજ ડ્રોઈંગ સ્પર્ધા જેવી ઈવેન્ટો યોજાઈ ચુકી છે.