Get The App

ખાતામાંથી 'ભારતમાલા'ની નોંધ રદ કરવા ખેડૂતોનો કલેક્ટર કચેરીમાં ભારે હોબાળો

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
ખાતામાંથી 'ભારતમાલા'ની નોંધ રદ કરવા ખેડૂતોનો કલેક્ટર કચેરીમાં ભારે હોબાળો 1 - image


નોટિસ વગર કાચી નોંધ પાડતા આવેદનપત્ર આપ્યું

૫૦૦થી વધુ અસરગ્રસ્ત ખેડૂતો કલેક્ટર કચેરીમાં ધસી આવ્યા કલેક્ટરની ચેમ્બર બહાર જ ધરણા પર બેસી ગયાઃસુત્રોચ્ચારો કર્યા

ગાંધીનગર :  દિલ્હીથી મુંબઇ સ્પેશ્યલ ગ્રીન એક્સપ્રેસ હાઇવે માટે ગાંધીનગરના ચારેય તાલુકાની જમીન સંપાદિત કરવાની થાય છે. જિલ્લાના કુલ ૨૮ ગામના બેહજારથી વધુ સર્વે નંબરની જમીનો સંપાદન કરવામાં આવનાર છે જે અંતર્ગત થોડા દિવસ અગાઉં સરકરા દ્વારા આઠ હજાર જેટલા ખેડૂત ખાતેદારોના ૭-૧૨માં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન કરવામાં આવનાર છે તેવી કાચી નોંધ પાડી દેતા ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ રહી હતી. આવી સ્થિતિમાં આજે એકાએક જિલ્લાના ચારેય તાલુકાના ૫૦૦થી વધુ ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ધસી આવ્યા હતા અને અહીં હોબાળો મચાવીને કાચી નોંધ રદ કરવા માટે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. એટલુ જ નહીં, કલેક્ટરની ચેમ્બર બહાર જ ધરણા પર બેસી જઇને ત્યાં રામધૂન બોલાવી હતી અને નોંધ પાછી ખેંચી લેવા માટે ઉગ્ર સુત્રોચ્ચારો પણ કર્યા હતા.

ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ સુધીનો એકસપ્રેસ હાઇવે બનાવવામાં આવશે જે માટે હાઇવે ઓથોરિટી અને સરકાર દ્વારા બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના ગામોની જમીન સંપાદન કરવા માટે અગાઉ જાહેરનામું બહાર પાડીને પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ ગાંધીનગરના ખેડૂતોના ઉગ્ર વિરોધને લઇને ગાંધીનગરમાં સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઇ ન હતી ત્યારે હવે સરકારી તંત્ર દ્વારા સંપાદન માટે અલગ ટ્રીક અપનાવવામાં આવી છે. સંપાદન થાય તે પહેલા એટલે કે, હજુ તો જમીન ઉપર ખેડૂતોનો કબ્જો છે અને તેમને કોઇ વળતર પણ મળ્યું નથી તેમ છતા અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં એટલે કે, ૭-૧૨માં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે તે સર્વે નંબરની જમીનનું સંપાદન કરવામાં આવનાર છે તેવા લખાણ સહિતની કાચી નોંધ પાડવામાં આવી છે. જેના પગલે ખેડૂતોની આ જમીન ઉપર સીધો સરકારનો હક્ક થઇ જશે સાથે સાથે જમીન વેચી શકાશે નહીં.સાથે સાથે તેના ઉપર લોન પણ મળી શકશે નહીં. જેના પગલે આ અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષની લાગણી ફેલાઇ હતી.

આજે એકાએક ૫૦૦થી વધુ ખેડૂતો ગાંધીનગર કલેક્ટર કચેરી પહોંચી ગયા હતા અને અહીંથી સામૂહિકરીતે કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા હતા જે દરમ્યાન ખેડૂતોએ રાજકીય દબાણને કારણે ભારતમાલાના રૃટમાં ફેરફાર કરીને ખેડૂતોની ફળદ્રુપ જમીનને સંપાદન કરી છે તેનો વિરોધ કરવાની સાથે રોષ પ્રગટ કર્યો હતો.તો સરકારે ખેડૂતને કોઇ પણ પ્રકારની જાણ કર્યા વગર ખાતામાં ભારતમાલાની કાચી નોંધ પાડી દીધી છે તે રદ કરવા માટે ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. એટલુ જ નહીં, નોંધ રદ કરવાની માંગણી સાથે આ તમામ ખેડૂતો કલેક્ટરની ચેમ્બર બહાર જ ધરણા ઉપર બેસી ગયા હતા અને ઉગ્ર દેખાવો તથા સુત્રોચ્ચારો કર્યા હતા. સાંજ સુધી ખેડૂતોએ અહીં ધામા નાંખીને રામધૂન બોલાવી હતી અને સત્વરે આ અંગે ન્યાય નહીં મળે તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારથી લઇને આત્મવિલોપન સુધીની ચિમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

ન્યાય નહીં મળે તો ચૂંટણી બહિષ્કાર અને આત્મવિલોપન સુધીની ચિમકી

ગાંધીનગર જિલ્લાના ૨૮ ગામોની જમીન સંપાદીત કરીને તેના ઉપર ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ-અમદાવાદ હાઇવે બનાવવામાં આવનાર છે. આ માટે ખેડૂતો જમીન આપવા તૈયાર નથી ત્યારે તંત્ર દ્વારા અલગ જ કિમીયો અપનાવ્યો છે. લગભગ આઠ હજાર જેટલા અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદિત તેવી કાચી નોંધ પાડી દેવામાં ાવી છે. જેના કારણે ખેડૂતોના આ વિરોધમાં ઘી ઉમેરાયું છે અગાઉથી વિરોધ ચાલુ જ હતું ત્યારે હવે નોંધ દૂર કરવા માટેનો પણ વિરોધ શરૃ થઇ ગયો છે. આજે એકાએક કલેક્ટર કચેરીએ ૫૦૦થી વધુ અસગ્રસ્ત ખેડૂતો ધસી આવ્યા હતા અને સરકારની નીતિનો ઉગ્ર વિરોધ કરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર આપીને હોબાળો પણ મચાવ્યો હતો. જેમાં સત્વરે ન્યાય નહીં મળે અને નોંધ રદ નહીં કરવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. આગામી દિવસોમાં આવતી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની તથા રોડ ઉપર ઉતરીને આંદોલન છેડવાની સાથે સરકારી કચેરીમાં જ આત્મવિલોપન કરવાની ચિમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.

વાંધા સાંભળવાનું ફક્ત નાટક,અધિકારીઓ પ્રતિઉત્તર પણ આપતા નથીઃકલોલના ખેડૂતો

કલોલના જામળા પંથકના ગામોના અસરગ્રસ્ત ખેડૂતોની આજે કલોલ પ્રાંત કચેરી ખાતે સુનાવણી રાખવામાં આવી હતી જેમાં પણ ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને રોષ ઠાલવતા કહ્યું હતું કે, ગઇ વખતે પણ લેખિતમાં વાંધા લીધા હતા પરંતુ તેનો કોઇ જવાબ અધિકારીઓ આપતા નથી અને સુનાવણીનું તંત્ર દ્વારા ફક્ત નાટક કરીને ખેડૂતોને છતરવામાં આવે છે.કલોલના ખેડૂતોએ તેમ છતા ટુકડાવાળા ખેતર રહી જાય ત્યાં ખેડૂતને જવા-આવવાના માર્ગ, બજાર કિંમત અને વળતર વચ્ચેનો તફાવત દૂર કરવા,ટયુબવેલ બાબતે સ્પષ્ટતા તથા પીવીસી પાઇપલાઇન, પાકા મકાનો, તબેલા, ગોડાઉન તથા ફેન્સીંગ પણ સંપાદનમાં જાય છે ત્યારે તેમની વૈકલ્પિક વ્યવસ્થા અંગે પણ વાંધા અરજીમાં માંગણી કરવામાં આવી છે. 


Google NewsGoogle News