'ભારતમાલા'ની પર્યાવરણીય લોક સુનાવણીમાં ખેડૂતોનો ભારે હોબાળો
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી
પાણીના સેમ્પલ લેવા અને તેનો રિપોર્ટ ખોટા હોવાના આક્ષેપ
સાથે ખેડૂતોએ બેઠકનો બહિષ્કાર કર્યોઃઅધિકારીઓ પણ જોતા રહ્યા
ગાંધીનગર : થરાદ અમદાવાદ નેશનલ હાઇવે એટલે કે, ભારતમાલા પ્રોજેક્ટને લઇને છેલ્લા બે વર્ષથી વિરોધનો વંટોળ ઉઠયો છે. ખેડૂતો જીવ આપી દઇશું પરંતુ જમીન નહીંના સુત્ર સાથે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે તે વચ્ચે જિલ્લા વહિવટી તંત્ર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજે જિલ્લાના ૨૬ ગામોના ખેડૂતોની લોક સુનાવણી રાખવામાં આવી હતી. જેમાં પાણીના સેમ્પલ ખોટી રીતે લેવાયા હોવાની સાથે તેના રિપોર્ટ પણ ખોટા હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને હોબાળો મચાવીને કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી સભાનો બહિષ્કાર કર્યો હતો.
ભારતમાલા પ્રોજેક્ટનો પહેલેથી જ વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત આજે ગાંધીનગર મહૂડી હાઇવે ઉપર આવેલા એક પાર્ટીપ્લોટ ખાતે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એક પર્યાવર્ણીય લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ લોકસુનાવણીમાં ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના લગભગ ૫૦૦થી વધુ ખેડૂતો હાજર રહ્યા હતા. શરૃઆતમાં પ્રોજેક્ટ અંતર્ગત વાત કરીને પ્રોજેક્ટર મારફતે આ ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટમાં પર્યાવરણીય ફેરફાર તથા આવનારા દિવસોમાં થતા નુકશાન અંતર્ગત માહિતી આપવામાં આવી હતી. જેમાં જિલ્લામાંથી બોરવેલ, નદી-નાળા અને તળાવમાંથી પણ પાણીના નમૂના લઇને તેનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું જેનો રિપોર્ટ રજુ કરતા જ ખેડૂતો ઉશ્કેરાયા હતા અને કોઇ પણ ગામમાં સરપંચ કે તલાટીને જાણ કર્યા વગર સેમ્પલ લેવામાં આવ્યા છે જે સેમ્પલની વિશ્વસનીયતા ઉપર પણ ખેડૂતોએ સવાલ ઉભા કર્યા હતા અને તેનો રિપોર્ટ પણ ખોટો હોવાનું કહીને હોબાળો મચાવ્યો હતો. કલેક્ટર હાજર હોવાથી અધિકારીઓ પણ વારંવાર ખેડૂતોને શાંત રહેવાની અપિલ કરતા રહ્યા હતા પરંતુ ખોટા રિપોર્ટ અંગે ખેડૂતોએ ઉગ્ર વિરોધ ચાલુ રાખ્યો હતો અને એક બાજુ અધિકારીઓ કાર્યવાહી કરતા રહ્યા હતા તો બીજીબાજુ ખેડૂતોએ સભાનો બહિષ્કાર કરીને મંડપની બહાર જતા રહ્યા હતા. અધિકારીઓનો દાવો છે કે, તેમણે કાર્યવાહી પુર્ણ કરી છે પરંતુ ખેડૂતોનું કહેવું છે કે, તેમણે વિરોધ કરતા અધિકારીઓ પણ સ્થળ છોડીને ચાલ્યા ગયા હતા.