વડોદરાના ચાર દરવાજા અને આસપાસના વિસ્તારમાં 1000 થી વધુ જોખમી મકાનો, હજી કેટલાનો ભોગ લેવાશે
વડોદરાઃ વડોદરાના ચાર દરવાજા અને આસપાસના વિસ્તારના જર્જરિત મકાનોને કારણે વારંવાર હોનારતો સર્જાતી હોવા છતાં કોર્પોરેશન પાસે આવા મકાનો માટે કોઇ વિકલ્પ હોય તેમ લાગતું નથી.
ચાર દરવાજા અને આસપાસના વિસ્તારોમાં ૧ હજાર જેટલા મકાનો જર્જરિત હાલતમાં છે.પરંતુ કોર્પોરેશન દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવી રહ્યો છે.જેને કારણે વારંવાર મકાનો તૂટવાના અને ઇજા તેમજ મૃત્યુના બનાવો બની રહ્યા છે.
ગઇકાલે લાડવાડા વિસ્તારમાં જર્જરિત હવેલીનો ભાગ બાજુના જર્જરિત મકાન પર પડતાં તેમાં રહેતા ગૌતમભાઇ ભટ્ટનું મોત નીપજ્યું હતું.આ અગાઉ પણ નજીકના વિસ્તારમાં ડીજે પસાર થતું હતું ત્યારે એક મકાન તૂટી પડતાં એક વ્યક્તિનું મોત નીપજવાનો બનાવ બન્યો હતો.
આ પ્રકારના બનાવો અટકાવવા માટે કોર્પોરેશન દ્વારા નોટિસ સિવાય પણ બીજા વિકલ્પોનો વિચાર કરવો જોઇએ તેવી લોકોની લાગણી છે.