ફાઇન આર્ટસનો યુવા ચિત્રકાર કઇ રીતે ડુબ્યો : નદીમાં ઉતર્યા અને 10 મિનિટમાં જ દુર્ઘટના સર્જાઇ

જય અને હેનિશને બચાવવા અભિષા અને સાત્ત્વિક નદીમાં કૂદી પડયા, અભિષા હેનિશને ખેંચીને કિનારે લઇ આવી, જ્યારે સાત્વિક નજીક પહોંચ્યો તો ડરના કારણે જય તેના પર સવાર થઇ ગયો

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
ફાઇન આર્ટસનો યુવા ચિત્રકાર કઇ રીતે ડુબ્યો : નદીમાં ઉતર્યા અને 10 મિનિટમાં જ દુર્ઘટના સર્જાઇ 1 - image


વડોદરા : સ્ટડી ટૂરમાં ગયેલા ફાઇન આર્ટસના પેઇન્ટિંગ વિભાગના બીજા વર્ષના વિદ્યાર્થી જય ગાંગડીયાનું રાજપીપળા નજીક જુના રાજ ગામે નદીમાં ડુબી જતા મૃત્યુ થયુ છે. આ ઘટનના સાક્ષી એવા ફાઇન આર્ટસના શિક્ષક રાહુલ મુખર્જી ભારે દુઃખ સાથે દુર્ઘટનાનું વર્ણન કરતા કહે છે કે 'ફાઇન આર્ટસના અંડર ગ્રેજ્યુએટ કોર્સના લગભગ ૩૨ વિદ્યાર્થીઓ સાથે અમે સ્ટડી ટૂર માટે રવિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે અમે રાજપીપળા પહોંચ્યા હતા. જમીને અમે બધા આરામ કરી રહ્યા હતા ત્યારે થોડી હલચલ થતા મે જોયુ કે કેટલાક વિદ્યાર્થીઓ બહાર રાઉન્ડ મારવા જવાનું કહી રહ્યા છે. હું પણ તેમની સાથે જોડાયો.

અમે ફોરેસ્ટ વિભાગની ઇકો કેમ્પ સાઇટ પાછળ આવેલી નદી પાસે પહોંચ્યા. અમે લોકો કિનારા ઉપર હતા દરમિયાન જય ગાંગડીયા, હેનિશ પટેલ અને બીજા બે મળી ચાર છોકરાઓ નદીના પાણીમાં ઉતર્યા. ગોઠણ સુધી પાણીમાં તેઓ હતા. જય અને હેનિશ થોડા આગળ ગયા અને અમે જોયુ કે પાણી તેમની છાતી સુધી આવી ગયુ હતું. આ દરમિયાન જ હેનિશ અને જય ડૂબવા લાગ્યા. અમારી સાથેના વિદ્યાર્થીઓમાં અભિષા અને સાત્ત્વિક બન્નેને તરતા આવડતુ હતું એટલે બન્ને નદીમાં કુદી પડયા. અભિાષા નામની છોકરીએ હેનિશને ખેંચીને નદીની બહાર કાઢી લેતા તે બચી ગયો જ્યારે સાત્ત્વિક જ્યારે જયની નજીક ગયો તો ડરના કારણે જય તેના ઉપર સવાર થઇ ગયો આથી સાત્ત્વિક હાથ પગ હલાવી નહી શક્તા તે પાણીની નીચે જતો રહ્યો. જો કે સાત્ત્વિક સપાટી પર આવી ગયો પણ ત્યાં સુધીમા જય આગળ નીકળી ગયો હતો.

અન્ય વિદ્યાર્થીઓ ગામમા દોડયા અને બે જણને બોલાવી લાવ્યા. આ સમયે જ નદી કિનારેથી એક યુવાન પસાર થતો આ યુવાન અને બે ગ્રામજનોએ નદીમાં ઝંપલાવ્યુ અને જયને બહાર કાઢ્યો. અમે તેના શરીરમાંથી પાણી બહાર કાઢ્યુ. સીપીઆર આપ્યો અને હોસ્પિટલ લઇ ગયા પરંતુ ડોક્ટરે જયને મૃત જાહેર કર્યો. અમે તમામ લોકો આઘાતમાં છીએ.


Google NewsGoogle News