સોશ્યલ મીડિયા પર સગીર વિદ્યાર્થિનીને પ્રેમ થઇ ગયો,માતાએ કર્યું એવું કે બોયફ્રેન્ડે જ ઇનકાર કરી દીધો
વડોદરાઃ સોશ્યલ મીડિયા પર મુંબઇના એક યુવકના પ્રેમમાં પડેલી સગીરવયની વિદ્યાર્થિનીની આંખો ખોલવા માટે માતાએ મુંબઇના યુવકને વડોદરા આવી પુત્રીને લઇ જવાની વાત કરતાં યુવક ફરી ગયો હતો.જેથી વિદ્યાર્થિની સમજી ગઇ હતી અને તેણે હવે પછી ક્યારેય વાત નહિ કરું તેમ કહી માફી માંગી હતી.
વડોદરાની સગીરવયની વિદ્યાર્થિની સાથે બનેલો બનાવ અભયમ પાસે આવ્યો હતો.વિદ્યાર્થિનીની માતાએ અભયમની મદદ માંગતા મહિલા પોલીસ સાથે આવેલી અભયમની ટીમે પણ વિદ્યાર્થિનીનું કાઉન્સેલિંગ કર્યું હતું.
અભયમના સૂત્રોએ કહ્યું છે કે,વિદ્યાર્થિની ભણવામાં તેજસ્વી છે.ઇન્સ્ટાગ્રામ પર મુંબઇના એક યુવકનો સંપર્ક થયા બાદ બંને વચ્ચે મોબાઇલ અને વીડિયો કોલિંગથી વાતચીત થતી હતી.પ્રેમમાં પડેલી વિદ્યાર્થિનીની અભ્યાસ પર અસર પડી હતી.જેથી માતાએ તમામ વિગતો મેળવી હતી.
પુત્રી સમજવા તૈયાર નહિ હોવાથી માતાએ તેની આંખ ખોલવા માટે એક તરકિબ અજમાવી હતી.તેણે મુંબઇના યુવકને વડોદરા આવીને તેની પુત્રીને લઇ જવા કહ્યું હતું.જેથી યુવકે ગલ્લાતલ્લા કરવા માંડયા હતા.તેણે વિદ્યાર્થિનીને લઇ જવાનો સ્પષ્ટ ઇનકાર કરી ૧૦ વર્ષ સુધી લગ્ન કરવાનો નથી તેમ કહેતાં વિદ્યાર્થિની સમજી ગઇ હતી અને તેણે યુવક સાથે ક્યારેય વાત નહિ કરે કે કોઇ મેસેજ પણ નહિ મોકલે તેવો સંકલ્પ લઇ લેખિતમાં બાંહેધરી આપી હતી.