પતિને દવાખાને રોજ લઇને જતી પત્નીની ગેરહાજરીમાં દાગીનાની ચોરી
ઘરકામ માટે આવતી મહિલા પર શંકા ઃ થોડા સમય કામ કરી મહિલા ગાયબ થઇ હતી
વડોદરા, તા.20 વેમાલીમાં પતિની સારવાર માટે રોજ બહાર જતી મહિલાની ગેરહાજરીનો લાભ ઉઠાવી ઘરકામ માટે આવતી મહિલા રૃા.૧.૮૮ લાખના દાગીના સેરવી ગઇ હોવાની આશંકા સાથે ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
વેમાલીમાં આશિર્વાદ રેસિડેન્સીમાં રહેતા શાંતાબેન રમણભાઇ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિને લકવાની સારવાર ચાલતી હોવાથી હું તેમને રોજ ફિઝિયોથેરાપી કરાવવા લઇ જઉં છું જ્યારે મારી પુત્રવધૂને પુત્રનો જન્મ થયો હોવાથી તે પિયરમાં રહેતી હતી. આ સમય દરમિયાન ઘરમાં લાકડાના કબાટમાં મૂકેલ રૃા.૧.૮૮ લાખ કિંમતના દાગીના મૂકેલા એક પાકિટની ચોરી થઇ હતી.
આ ચોરી અંગે મને મારા ઘેર અગાઉ ઘરકામ માટે આવતી બાદમાં અચાનક કામ છોડી દેનાર અસ્મિતાબેન પર શંકા જતાં દાગીના લીધા હોય તો આપી દે તેમ કહેતા અસ્મિતાએ મેં ચોરી કરી નથી તેમ કહ્યું હતું જો કે અસ્મિતાએ અમારી સોસાયટીમાં અન્ય ઘેરથી પણ કામ છોડી દીધું હોવાનું જણાતા તેમના પર ચોરીની શંકા પાકી થઇ હતી. ઉપરોક્ત વિગતો અંગે મંજુસર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.