Get The App

વડોદરામાં જુના રોડ પર ડામરના થર સતત પાથરતા રહેતા ઘરનું લેવલ નીચે આવતા ચોમાસામાં પાણી ભરાવાના પ્રશ્નો

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
વડોદરામાં જુના રોડ પર ડામરના થર સતત પાથરતા રહેતા ઘરનું લેવલ નીચે આવતા ચોમાસામાં પાણી ભરાવાના પ્રશ્નો 1 - image


- ડામરના થર સતત પાથરવાના બદલે જૂનો રોડ તોડીને નવો બનાવવો જોઈએ

- શહેરના પૂર્વ વિસ્તારમાં બે સ્થળે જૂનો રોડ તોડીને નવો બનાવવાનું કાર્ય હાથ ધરાયું

- પૂર્વ વિસ્તારમાં આ પ્રકારે પાંચમું કામ ચાલુ કર્યું

- સમગ્ર શહેરમાં આ પદ્ધતિ અપનાવાય તો પાણી ભરાવાના પ્રશ્નો ન રહે

વડોદરા,તા.17 ફેબ્રુઆરી 2024,શનિવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ બનાવવામાં આવે છે. તેમાં વર્ષોથી જુના રોડ પર ડામરના થર ચડાવતા રહેતા રોડનું લેવલ ઊંચું થઈ જતા ચોમાસામાં પાણી ભરાવાના અને પાણી નિકાલ નહીં થવાના પ્રશ્નો સર્જાતા રહે છે. દર ચોમાસામાં લોકો રોડ ઊંચા થઈ જવાના કારણે પાણી ભરાય છે,તે મુદ્દે કોર્પોરેશનના તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા રહે છે. જોકે શહેરના પૂર્વ વિસ્તારમાં જુના રોડ ઉખેડીને નવા બનાવવાનું પાંચમું કામ થઈ રહ્યું છે.

આ અંગે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિના માજી અધ્યક્ષનું કહેવું છે કે વાઘોડિયા રોડ પર વોર્ડ નંબર પાંચમાં અગાઉ પણ આવી કામગીરી પ્રાયોગિક ધોરણે લેવામાં આવી હતી. વોર્ડ નંબર પાંચમાં જ વર્ષા અને પંચવટી પાસે વચ્ચેનો ટીપી રસ્તો રોડ મિલિંગ કરીને એટલે કે જૂનો રોડ તોડીને બનાવવામાં આવી રહ્યો છે. આમ કરવાથી રોડનું લેવલ ઊંચું ન થાય અને ઘરના પગથિયાં તથા ઓટલા પણ દબાઈ ન જાય. આ પ્રકારની રોડ મિલિંગ નીકામગીરીમાં જૂનું મટીરીયલ ઉખેડીને રોડનું લેવલ માપ્યા બાદ ડામર પાથરવામાં આવે છે. શહેરના તમામ વોર્ડમાં આ પ્રકારે એક બે રોડની કામગીરી કરવા અગાઉ વિચાર્યું હતું અને જુના રોડ ઉખેડીને નવા રોડ મિલિંગ કરીને બનાવવા તે પ્રમાણે કામ મૂકવા ચર્ચા પણ થઈ હતી. વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા નજીક 12 મીટરનો રોડ અને બીજી એક સોસાયટીમાં સોસાયટીમાં 9 મીટરના રોડનું કામ આ પ્રકારે કર્યું હતું. બાપોદ થી હાઇવે નજીક પણ એક સોસાયટીમાં આ મુજબ કામ થઈ રહ્યું છે. કોર્પોરેશન રોડના કોન્ટ્રાક્ટ આપે ત્યારે ટેન્ડરમાં આ પ્રકારની શરત મૂકી હોય ત્યારે રોડ મિલિંગ કરીને આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.

શહેરના નાગરિકો કાયમ કહેતા રહ્યા  છે કે  વર્ષોથી રોડ પર રોડ બનાવવાનું ચાલુ રહ્યું છે. પરિણામે રોડનું લેવલ ઊંચું થયું છે. સોસાયટીમાં લોકોના ઘરના પગથિયાં દબાઈ ગયા છે. રોડ ઉપર આવી ગયા છે. અને ઘર નીચા થયા છે. જેથી ચોમાસામાં પાણી નિકાલ ન થતા જળબંબાકારના પ્રશ્નો ઊભા થાય છે. કોર્પોરેશન આ રીતે રોડની કામગીરી કરશે તો કંટૂર મેપ  જળવાઈ રહેશે, અને રોડનું લેવલ ઊંચું નહીં આવે. પાણીનો નિકાલ સરળતાથી થશે. શહેરમાં કયા કયા રોડના લેવલ ઊંચા થયા છે તેની વિગતો કોર્પોરેશન પાસે છે જ. હવે પછી જુના રોડ નવા કરવાના થાય તો  રોડ ની માથે લેયર ઉપર લેયર પાથરવાનું બંધ કરીને રોડ ઉખેડીને બનાવાય તો પાણી ભરાવાના પ્રશ્નોમાંથી મુક્તિ મળી શકે.


Google NewsGoogle News