મુસાફરોનું રજીસ્ટર નહીં રાખનાર હોટલ સંચાલકની ધરપકડ
image : Freepik
વડોદરા,તા.14 માર્ચ 2024,ગુરૂવાર
વડોદરામાં સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક હોટલ દ્વારા મુસાફરોનું રજીસ્ટર મેન્ટેન નહીં કરવામાં આવતું હોવાથી પોલીસે સંચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
હોટલ,લોજ, ધર્મશાળા, મુસાફરખાના જેવા સ્થળોએ આતંકવાદી પ્રવૃત્તિ આચરના લોકો આશ્રય લેતા હોવાના અગાઉ બનાવો બન્યા હોવાથી મુખ્ય શહેરોમાં હોટલ સંચાલકોને મુસાફરોનું રજીસ્ટર તેમજ કેમેરા રાખવા માટે સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત વડોદરા શહેર પોલીસ કમિશનરે પણ જાહેરનામું બહાર પાડ્યું છે.
વડોદરા એસઓજી દ્વારા વારંવાર હોટલ લોજોમાં ચેકિંગ કરવામાં આવતું હોય છે. જે દરમિયાન સયાજીગંજના ચંદન મહેલ પાસે વસંત કોટી એપાર્ટમેન્ટમાં આવેલી હોટલ ગોલ્ડન લિફમાં મુસાફરોનું રજીસ્ટર ચેક કરતા તેમાં એન્ટ્રી જોવા મળી ન હતી. જેથી પોલીસે સંચાલક દિનેશ ઉમેદસિંગ રાવત (પ્રધાનમંત્રી આવાસ યોજના, સેવાસી મૂળ ઉતરાખંડ) સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી.