આઉટડોર પાસનો દુરુપયોગ કરનાર બે વિદ્યાર્થિનીઓનું હોસ્ટેલ એડમિશન રદ કરાયું
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં આઉટડોર પાસના દુરુપયોગ સામે સત્તાધીશોએ લાલ આંખ કરીને બે વિદ્યાર્થિનીઓના હોસ્ટેલમાંથી એડમિશન રદ કરી દીધા હોવાની વિગતો સપાટી પર આવી છે.
સુરક્ષાના કારણોસર યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓએ બહાર જવુ હોય તો યોગ્ય કારણ આપીને આઉટડોર પાસ બનાવવો પડે છે અને એ પછી જ તેમને હોસ્ટેલમાંથી બહાર જવાની મંજૂરી આપવામાં આવે છે.મળતી વિગતો પ્રમાણે તાજેતરમાં બે વિદ્યાર્થિનીઓએ ઘરે જવાનુ કારણ આપીને હોસ્ટેલના વોર્ડન પાસે આઉટડોર પાસ બનાવ્યો હતો.
જોકે વિદ્યાર્થિનીઓ ઘરે પહોંચી નહોતી અને તેમણે ઘરે પણ કોઈને આ વાતની જાણ નહોતી કરી.આ બાબતની જાણકારી હોસ્ટેલના વોર્ડનને થતા તેઓ પણ ચોંકી ઉઠયા હતા.સૂત્રોનુ કહેવુ છે કે, આ બંને વિદ્યાર્થિનીઓએ કરેલી હરકતને સત્તાધીશોએ ગંભીરતાથી લીધી હતી.કારણકે વિદ્યાર્થિનીઓ ક્યાં ગઈ હતી તેની જાણકારી તેમના પરિવારજનોને પણ નહોતી.આમ સત્તાધીશોએ હોસ્ટેલમાંથી તેમના એડમિશન રદ કરવાનો નિર્ણય લીધો હતો.
હોસ્ટેલના સૂત્રોનુ કહેવુ છે કે, ખોટી રીતે આઉટ ડોર પાસ બનાવવાની ઘટનાની જાણકારી મળ્યા બાદ પણ જો કાર્યવાહી ના કરી હોત તો ખોટો સંદેશ જાત અને ભવિષ્યમાં કોઈ બીજુ પણ આઉટ ડોર પાસનો ખોટો ઉપયોગ કરવા માટે પ્રેરાત.