વડોદરા : દર્દીઓના નાણા સરકારમાંથી નહીં મળતા અનેક હોસ્પિટલોએ આયુષ્યમાન કાર્ડની કામગીરી ઠપ કરી
- ખાનગી હોસ્પિટલના સંચાલકો કેન્દ્ર સરકારમાં ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશે
વડોદરા,તા.06 ફેબ્રુઆરી 2024,મંગળવાર
ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીને ખરા સમયે આરોગ્યની યોગ્ય સારવાર મળી રહે તે માટે સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરની 20થી વધુ હોસ્પિટલો સાથે સરકારે જોડાણ કરી યોગ્યતાના આધારે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર મળે તે પ્રમાણેના કરાર કર્યા છે. ત્યારે શહેરની અસંખ્ય ખાનગી હોસ્પિટલોને દર્દીની સારવાર પેટે ચૂકવવામાં આવનાર કરોડો રૂપિયા મળી રહ્યા નથી. જેથી કેટલીક હોસ્પિટલોના સંચાલકોએ આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી ઠપ કરી દીધી છે. આગામી દિવસોમાં વડોદરા સહિત રાજ્યભરના હોસ્પિટલ સંચાલકો આ મામલે ઉગ્ર રજૂઆત કરે એવો તખ્તો તૈયાર થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત સરકાર ઇન્સ્યોરન્સ કંપનીને હાયર કરતી હોય છે. લાભાર્થીઓનું પ્રીમિયમ સરકાર ભરતી હોય છે અને એના આધારે કાર્ડ તૈયાર થતા હોય છે. કેટલીક જરૂરી સ્વાસ્થ્ય સંબંધી સારી સારવાર નાગરિકોને ખાનગી હોસ્પિટલમાં મળી રહે તેનું આયોજન સરકાર કરતી હોય છે. આ માટે દર્દીને દાખલ થવા, દવા મેળવવા, વિવિધ રિપોર્ટ બનાવવાની સુવિધા ખાનગી હોસ્પિટલમાં સરકારના ધારાધોરણ મુજબ આયુષ્યમાન કાર્ડ ધારક લઈ શકતો હોય છે. આનો રિપોર્ટ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સરકાર દર્દીની સારવારની મંજૂરી આપતી હોય છે અને દર્દીના દાખલ થવાથી ડિસ્ચાર્જ થવા સુધીની તમામ સુવિધા વિનામૂલ્યે ખાનગી હોસ્પિટલમાં ઉપલબ્ધ થતી હોય છે. દર્દીને મળેલ સારવારનો ખર્ચો ઇન્સ્યોરન્સ કંપનીએ 15 દિવસમાં જે તે હોસ્પિટલને આપી દેવાનો હોય છે અને આ પ્રમાણેના સરકારે એમઓયુ કર્યા હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી અનેક ખાનગી હોસ્પિટલોને આયુષ્યમાન ભારત અંતર્ગત મળવાપાત્ર કરોડો રૂપિયા ચૂકવાઈ રહ્યા નથી. કેટલીક હોસ્પિટલો જે એક મર્યાદિત સ્ટાફ સાથે કામ કરી રહી છે તેને હવે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત સેવા આપવી મુશ્કેલરૂપ બની રહ્યું છે. ઉપરાંત ઘણી હોસ્પિટલોએ રજૂ કરેલ બિલ પૈકી કેટલીક રકમ કોઈકના કોઈ કારણસર કાપી લેવામાં આવે છે. જે બાદ હોસ્પિટલ દ્વારા કપાત કરેલ રકમ અંગે કરેલી સારવારના યોગ્ય પુરાવા રજૂ કરવા સાથે ફોલોઅપ લેવામાં આવતું હોય છે તેમ છતાં આવા નાણાની ચુકવણીમાં ખૂબ જ વિલંબ થઈ રહ્યો છે અથવા યોગ્ય પ્રત્યુતર મળી રહ્યો નથી.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક કેસમાં 50000નું બિલ આપ્યું હોય તેની સામે 20,000 જેટલી રકમનું ચૂકવવું થયું છે અને ઘણી મોટી રકમ કાપી લેવામાં આવી છે. આની યોગ્ય સ્તરે રજૂઆત કરીએ છીએ પરંતુ જે તે વિભાગમાંથી રકમની કેમ કપાત થઈ છે? તેનો કોઈ પ્રત્યુતર મળી રહ્યો નથી. વળી હોસ્પિટલ દ્વારા પૈસા બાબતે વારંવાર રજૂઆત કરવામાં આવે તો તમે આયુષ્યમાન કાર્ડની સુવિધા બંધ કરી દો તેઓ ઉડાવો જવાબ પણ ઉપરથી આપી દેવામાં આવે છે. ત્યારે અનેક હોસ્પિટલોમાં થવા પાત્ર ચૂકવણા ખોરવાતા તેઓની આર્થિક કામગીરીને અસર થઈ હોવાનું જાણવા મળ્યું છે.
જિલ્લા કલેકટર કમિટીના મોડલ અધિકારી છે
દર મહિને મળનાર બેઠક ખૂબ અનિયમિત મળી રહી છે જેથી પ્રશ્નો વધી રહ્યા છે
સરકારની ગાઇડલાઇન પ્રમાણે આયુષ્યમાન ભારત કાર્ડ સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરવા દર મહિને સરકારી અને હોસ્પિટલોના પ્રતિનિધિઓની એક બેઠક કરવાની હોય છે. કલેક્ટર કચેરીમાં બેઠકનું આયોજન કરવાનું હોય છે. પરંતુ ઘણી વખત આ બેઠક ખૂબ અનિયમિત મીટીંગ થતી હોય છે. જિલ્લા કલેકટર કમિટીના નોડલ અધિકારી છે અને તેમની અધ્યક્ષતામાં આ અંગેની બેઠકનું આયોજન કરવાનું હોય છે. જેમાં હોસ્પિટલોને આયુષ્માન ભારત કાર્ડ અંતર્ગત ઉભી થતી મુશ્કેલી અથવા તેમની ફરિયાદની રજૂઆત અને નિરાકરણ કરવાનું હોય છે. આ બેઠક નિયમિત ન થઈ શકતા આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ સુવિધા આપતી હોસ્પિટલોની મુશ્કેલીઓ વધી રહી છે.
ડિલિવરી જેવા કિસ્સામાં તાત્કાલિક ચુકવણું થાય છે
આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલોમાં કાર્ડ ધારકને વિવિધ પ્રકારની સેવા વિનામૂલ્ય મળતી હોય છે. જેમાં ડિલિવરી અંગેની સેવા લીધા પછી તેનું ચુકવણું વહેલું અને સમયસર મળી જાય છે કારણ કે તેની રકમ ઓછી અને તેમાં વેરિફિકેશન પણ ઓછું હોય છે.