વિદ્યાર્થિનીઓના પ્રોજેકટ રજૂ કરાયા, નકામા ટાયરનો ઉપયોગ કરીને ગાર્ડન, પીવીસી પાઈપમાંથી ફર્નિચર
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીના ફેમિલી એન્ડ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ વિભાગની વિદ્યાર્થીનીઓએ પોતાના ડેર્ઝટેશન વર્કના ભાગરુપે હાથ ધરેલા પ્રોજેકટસમાં બનાવેલી વિવિધ પ્રોડકટસને આજે પ્રદર્શિત કરવામાં આવી હતી.
વિભાગની વિદ્યાર્થિની તુલસી વેકરિયાએ ગાઈ ડો.સરજૂ પટેલના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓને સ્વ રોજગાર મળી રહે તે માટે જ્વેલરી આઈટમ, ડેકોરેટિવ બોટલ, કી હોલ્ટર, દિવા જેવી વસ્તુઓ બનાવતા શીખવાડી હતી.આ વસ્તુઓને પ્રદર્શિત કરવામાં આવી હતી.અન્ય એક વિદ્યાર્થિની નૈમિષા પાનસુરિયાએ અધ્યાપક ડો.ઉર્વશી મિશ્રાના માર્ગદર્શનમાં સંખેડા આર્ટથી પ્રભાવિત થઈને ઓફિસમાં વપરાતા ઉપકરણો ડિઝાઈન કર્યા હતા.જેને રજૂ કરાયા હતા.
અન્ય એક વિદ્યાર્થિની ક્રિષ્ણા પ્રધાનાનીએ ડો.ઉર્વશી મિશ્રાના ગાઈડન્સમાં શૈક્ષણિક સંસ્થાઓમાં વેસ્ટમાંથી બેસ્ટ..કન્સેપ્ટ હેઠળ ગાર્ડન કેવી રીતે ડિઝાઈન કરી શકાય તે દર્શાવ્યુ હતુ.જ્યારે પંખુરી લુથરા નામની વિદ્યાર્થિનીએ અધ્યાપક રુતુ મોદીની મદદથી નકામા પ્લાસ્ટિક પાઈપ્સમાંથી બનાવેલુ ફર્નિચર રજૂ કરવામાં આવ્યુ હતુ.દેવાંશી શાહ નામની વિદ્યાર્થિનીએ અધ્યાપક નેહા રાઠોરના માર્ગદર્શન હેઠળ સ્કૂલના બાળકો માટે ડિઝાઈન કરેલુ ફર્નિંચર પ્રદર્શિત કર્યુ હતુ.તેમજ યશ્વી જયસ્વાલે અધ્યાપક રાખી દાસગુપ્તાના માર્ગદર્શન હેઠળ વર્ચ્યુઅલ રિયાલિટીનો ઉપયોગ કરીને રુમમાં કયા પ્રકારના રંગોનો ઉપયોગ થાય તેનુ નિદર્શન કર્યુ હતુ.