યુવતીનું અપહરણ-દુષ્કૃત્યના કેસમાં હિસ્ટ્રીશીટરને આજીવન કેદની સજા
- બે વર્ષ પૂર્વે બનેલી ઘટનામાં ભાવનગર કોર્ટનો ચુકાદો
- મોટા સુરકાના શખ્સે પ્રેમી યુગલને લાકડીઓ ફટકારી મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી હતી
ભાવનગર : ભાવનગર જિલ્લાના સિહોરમાં પ્રેમી સાથે ફરવા ગયેલી યુવતીનું અપહરણ કરી દુષ્કૃત્ય આચરી પ્રેમીનો મોબાઇલ ફોન તથા રોકડ રકમની લૂંટ ચલાવનાર મોટા સુરકા ગામના કુખ્યાત હિસ્ટ્રીશીટર શખ્સને અદાલતે આજીવન કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો હતો.
આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગઈ તા.૦૧/૧૨/૨૦૨૧ ના રોજ ફરિયાદી યુવતી અને તેનો પ્રેમી સિહોરમાં આવેલ તળાવની પાળે ફરવા માટે ગયા હતા, ત્યારે નંબર વગર પ્લેટનું મોટરસાઇકલ લઈને આવેલો મનસુખ ધુડાભાઈ સોલંકી (ઉં.વ. ૩૫, રહે, મોટા સુરકા, સિહોર)એ પ્રેમી યુગલને પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી, તમે લોકો અહીં શું કરો છો તેમ કહી ગાળો આપી ઢીકાપાટુ તેમજ લાકડી વડે માર મારી યુવતીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ યુવતીના પ્રેમીના મોબાઈલ ફોન તેમજ રૂ.૨૦૦૦ રોકડાની લૂંટ ચલાવી શખ્સ ફરાર થઈ ગયો હતો. આ કેસમાં સિહોર પોલીસે આરોપી મનસુખ ધુડાભાઈ સોલંકી સામે ઇ.પી.કો. કલમ ૩૭૬, ૩૬૫, ૩૯૪, ૩૨૩, ૫૦૪,જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ પી.આઈ. પ્રજાપતિની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ વિજય માંડલિયા તથા ધ્રુવ મહેતાની અસરકારક દલીલો, આધાર, પુરાવા સાક્ષી વગેરે ધ્યાને લઇ અદાલતે આરોપી મનસુખ ધુડાભાઈ સોલંકીને કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂા.૫૦ હજાર રોકડાનો દંડ ફટકાર્યો હતો. આરોપી વિરુદ્ધ અગાઉ પણ મારામારી, પ્રોહિબિશન, ત્રાસ આપવો સહિતના ૨૧ જેટલા ગુના નોંધાયા હતા.