ભાયલીની ૨૦૦ વર્ષ જૂની પગથિયાવાળી વાવનો ઈતિહાસ જીવંત કરાયો
વડોદરાઃ આજે વર્લ્ડ હેરિટેજ ડે નિમિત્તે વડોદરાના ભાયલી વિસ્તારની ૨૦૦ વર્ષ જૂની પગથિયાવાળી વાવનો ઈતિહાસ લોકો સમક્ષ જીવંત થયો હતો.
વડોદરામાં આમ તો પગથિયાવાળી સંખ્યાબંધ વાવો છે અને આ પૈકી શહેરના છેવાડે આવેલી સેવાસી ખાતેની અને લક્ષ્મી વિલાસ પેલેસના કમ્પાઉન્ડમાં આવેલી વાવ જેવી કેટલીક વાવ જાણીતી છે.જોકે ભાયલીની ૨૦૦ વર્ષ જૂની વાવની જાણકારી અત્યાર સુધી બહુ ઓછા લોકોને હતી.
ગુજરાતની પગથિયાવાળી વાવો પર રિસર્ચ કરનારા કાકોલી સેનને આ વાવની જાણકારી મળી હતી.સ્થાનિક લોકોની મદદથી તેમણે છેલ્લા કેટલાક દિવસોથી આ વાવની સાફ સફાઈ પણ શરુ કરી હતી.આ દરમિયાન તેમને વાવમાં બે થી ત્રણ રુમ પણ મળી આવ્યા હતા.
કાકોલી સેન કહે છે કે, હનુમંત વાવ તરીકે ઓળખાતી આ વાવ ૨૦૦ વર્ષ જૂની છે અને તે ચૂનાની ઈંટોથી બનેલી છે.તેની અંદર મળી આવેલા બે થી ત્રણ રુમ જોતા લાગે છે કે, વાવ કદાચ વધારે મોટી હોઈ શકે છે.આ રુમનો ઉપયોગ શેના માટે થતો હતો તેનો ઈતિહાસ જાણવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છે.આજે તેમણે વાવનો ઈતિહાસ એક નૃત્ય નાટિકા સ્વરુપે લોકો સમક્ષ ફરી એક વખત જીવંત કર્યો હતો.આ જ રીતે તેઓ પહેલા વડોદરાની સેવાસી વાવ તેમજ નવલખી વાવ, ગાંધીનગર ખાતેની અડાલજ વાવ ખાતે પણ આ પ્રકારના શોનુ આયોજન કરી ચુકયા છે.