જીસેટ પરીક્ષામાં પહેલી વખત હિન્દુ સ્ટડીઝ પેપરનો પણ સમાવેશ કરાયો
વડોદરાઃ રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક બનવા માટે જરુરી જીસેટ (ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા તા.૨૬ નવેમ્બર, રવિવારે લેવામાં આવનાર છે.આ વખતે અત્યાર સુધીના સૌથી વધારે ૪૪૮૪૫ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે.
મળતી વિગતો પ્રમાણે રાજ્ય સરકારની આ પરીક્ષા લેવાનુ કામ એમ.એસ.યુનિવર્સિટીને સોંપવામાં આવ્યુ છે.આ માટે યુનિવર્સિટીમાં એક સેન્ટર પણ ઉભુ કરવામાં આવ્યુ છે.આ વખતે પરીક્ષા માટે આઠ નવા વિષયોનો ઉમેેરો કરવામાં આવ્યો છે.જેમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણેના ઈન્ડિયન નોલેજ સિસ્ટમ, હિન્દુ સ્ટડીઝની સાથે સાથે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પરફોર્મિંગ આર્ટસ, એન્વાર્યમેન્ટ સાયન્સ, ફોરેન્સિક સાયન્સ, વિઝ્યુઅલ આર્ટસ અને મ્યુઝિકનો સમાવેશ થાય છે.૧૦ જેટલા ઉમેદવારો જીસેટમાં પહેલી વખત હિન્દુ સ્ટડીઝ વિષયની પરીક્ષા આપવાના છે.
કુલ મળીને ૩૬ વિષયોના પેપરોમાં સૌથી વધારે ઉમેદવારો કોમર્સ તેમજ કેમિકલ સાયન્સના વિષય માટે નોંધાયા છે.આ બંને પેપરો માટે પેપર દીઠ ૫૦૦૦ ઉપરાંત ઉમેદવારો પરીક્ષા આપશે.જીસેટ પરીક્ષામાં બે પેપર હોય છે.આ પૈકી કોમન પેપરમાં ૫૦ અને જે તે વિષયના પેપરમાં ૧૦૦ પ્રશ્નો હોય છે.ઉમેદવારોએ મલ્ટીપલ ચોઈઝ પધ્ધતિથી પ્રશ્નોનો જવાબ આપવાના હોય છે.રાજ્યમાં ૧૧ સેન્ટરો પર સવારે ૯-૩૦ વાગ્યાથી પરીક્ષાનો પ્રારંભ થશે.આ પૈકી સૌથી વધારે ૯૯૦૦ જેટલા ઉમેદવારો અમદાવાદ કેન્દ્ર પર પરીક્ષા આપશે.રાજકોટમાં ૪૦૦૦ જેટલા, સુરતમાં ૭૦૦૦ જેટલા, વડોદરામાં ૩૮૦૦, પાટણમાં ૪૪૦૦ જેટલા ઉમેદવારો નોંધાયા છે.સૌથી ઓછા ૧૪૦૦ જેટલા ઉમેદવારો ગોધરા સેન્ટર પર પરીક્ષા આપવાના છે.