સોખડા પાસેથી પસાર થતી ૭૬૫ કેવીની હાઈટેન્શન લાઈન સેંકડો ખેડૂતો માટે માથાનો દુખાવો બની

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
સોખડા પાસેથી પસાર થતી  ૭૬૫ કેવીની હાઈટેન્શન લાઈન સેંકડો ખેડૂતો માટે માથાનો દુખાવો બની 1 - image

વડોદરાઃ શહેરના સોખડા અને તેની આસપાસના વિસ્તારમાંથી પસાર થતી ૭૬૫ કેવીની હાઈ ટેન્શન લાઈન સેંકડો ખેડૂતો માટે મોટી સમસ્યા બની ગઈ છે.આ લાઈનના કારણે લાગી રહેલા કરંટના કારણે ખેતરોમાં કોઈ કામ કરવા માટે તૈયાર નથી અને આ જમીન પર ખેતી કરવી મુશ્કેલ બની રહી છે.

મળતી વિગતો પ્રમાણે આ વિસ્તારના બે ખેડૂતો પૈકી છાણી વિસ્તારમાં રહેતા અમિત પટેલ અને અરવિંદ પટેલ દ્વારા વડોદરા જિલ્લાના ઈલેક્ટ્રિક ઈન્સ્પેકટરની કચેરીમાં રજૂઆત કરાયઈ હતી અને ૬ મહિના પહેલા સમગ્ર વિસ્તારનુ ઈન્સ્પેક્શન કરવામાં આવ્યુ હતુ.જેમાં આ લાઈન નાંખનાર કંપની સ્ટરલાઈટ પાવરના પ્રતિનિધિને પણ હાજર રાખવામાં આવ્યા હતા.

આ ઈન્સ્પેક્શન બાદ ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેક્ટર દ્વારા કેન્દ્ર સરકારની સેન્ટ્રલ ઈલેક્ટ્રિકલ ઓથોરિટીને એક પત્ર લખવામાં આવ્યો છે.જેમાં કહેવામં આવ્યુ છે કે, ખેતરોની ફેન્સિંગ, એંગલો, અહીંથી પસાર થતા વાહનો અને ખેતરોમાં છોડના પાંદડા પર પણ સુધ્ધા કરંટઉતરી રહ્યો છે અને આ સ્થિતિ અંશતઃ સલામત નથી.હાઈ ટેન્શન લાઈનના માલિકોને કંરટની અસર ના આવે તે પ્રકારની કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવે.જેથી કોઈ પણ જાતની દુર્ઘટનાની શક્યતાને નિવારી શકાય.ખેડૂતોને પણ નાણાકીય નુકસાન થઈ રહ્યુ છે.કારણકે કરંટ લાગવાની બીકથી શ્રમિકો કામ કરવા માટે તૈયાર નથી.

પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, સેન્ટ્રલ ઈલેક્ટ્રિક ઓથોરિટીએ ૨૦૨૦ના નિયમો પ્રમાણે આ લાઈનની ડિઝાઈન છે કે નહીં તેમજ તેનુ ટેસ્ટિંગ આ નિયમો પ્રમાણે થયુ છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. 

મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી પણ પરિણામ શૂન્ય

લોકોને,પશુઓને અને ટ્રેકટરમાં બેઠેલાને પણ વીજ કરંટ લાગ્યો છે

૨૫૦ એકર જેટલી ખેતીલાયક જમીનમાં ખેતી ના થાય તેવા સંજોગો, કેન્દ્રમાંથી પણ કોઈ કાર્યવાહી નથી થઈ 

છાણી વિસ્તારના ખેડૂત અને આ મુદ્દે કેટલાય સમયથી લડત આપી રહેલા અમિત પટેલનુ કહેવુ છે કે, સોખડા-પદમલા, આસોજ અને પિલોદના લગભગ ૧૫૦ થી ૨૦૦ જેટલા ખેડૂતોના ખેતર પરથી આ લાઈન પસાર થાય છે.જેનો કરંટ લાઈન નીચેથી પસાર થતા લોકોને અને પશુઓને લાગ્યો હોવાના કિસ્સા બન્યા છે.અમે ઈચ્છીએ છે કે, કોઈ જાનહાની થાય તે પહેલા કાર્યવાહી કરવામાં આવે.મારા પોતાના ખેતરમાં બટાકાની ખેતી કરી હતી.બટાકા કાઢ્યા બાદ ટ્રેકટરમાં ભરવા માટે ટ્રેકટર બોલાવવામાં આવ્યુ હતુ.ટ્રેકટર ચાલકને એટલો જોરથી ઝાટકો વાગ્યો હતો કે, તે હવે ફરી ખેતરમાં આવવા તૈયાર નથી.શ્રમિકો પણ કરંટ લાગવાના ડરથી કામ કરવા નથી માંગતા.આ લાઈન જ્યારે નંખાતી હતી ત્યારે પણ અમે લડત ચલાવી હતી.જોકે સરકારે તો અમને એક વર્ષનુ વળતર અપાવીને અમારા હાલ પર છોડી દીધા છે.મેં તો કલેકટર કચેરી, ગાંધીનગર અને ખુદ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે પણ કોઈ કાર્યવાહી થઈ નથી.હાઈટેન્શન લાઈનના કારણે ૨૫૦ એકર જેટલી ખેતીલાયક જમીન પર ખેતી ના થઈ શકે તેવા સંજોગો ઉભા થયા છે.વડોદાર જિલ્લાની ઈલેક્ટ્રિકલ ઈન્સ્પેકટરની ઓફિસ દ્વારા સેન્ટ્રલ ઈલેક્ટ્રિકલ ઓથોરિટીને પત્ર લખ્યાના ૬ મહિના બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી.


ગંભીર મુદ્દો નથી, ધારાધોરણ પ્રમાણે લાઈન નાંખી છેઃ કંપની પ્રતિનિધિ

હાઈ ટેન્શન લાઈન નાંખનાર કંપની સ્ટરલાઈટ પાવરના પ્રતિનિધિ આશિષ પટેલનુ કહેવુ છે કે, કુદરતી રીતે ભેજવાળુ વાતાવરણ હોય અથવા તો જમીનમાં ખેતી માટે પાણી પીવડાવવામાં આવે ત્યારે કરંટ લાગતો હોય છે પણ આુ ક્યારેક જ બને છે.ઈન્સ્પેક્શન દરમિયાન હું હાજર હતો.જ્યાં જ્યાં કરંટ લાગતો હોવાનુ કહેવાયુ હતુ ત્યાં મેં સ્પર્શ કર્યો હતો.કરંટ ક્યારેક જ લાગે છે અને તે પણ એટલી ગંભીર સમસ્યા નથી.થોડી તકેદારી રાખવાની જ જરુર છે.આ લાઈન ઉર્જા મંત્રાલયના ધારાધોરણ પ્રમાણે જ નાંખવામાં આવી છે અને આ પ્રોજેકટમાં ઘણાએ કામ કર્યુ હતુ.કોઈને કોઈ જાતનુ નુકસાન થયુ નથી.

ટાવરનુ   નિયમિત મેન્ટેનન્સ થવુ જોઈએ

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એક અધ્યાપકે કહ્યુ હતુ કે, હાઈ વોલ્ટેજના કારણે કરંટ જમીનમાં ઉતરવાની શક્યતા રહેતી હોય છે.જે માણસોની સાથે ખેતીને પણ અસર કરી શકે છે.લાઈન જેના પરથી પસાર થાય છે તે ટાવરનુ મેન્ટેન્સ નિયમિત રીતે થવુ જોઈએ.


Google NewsGoogle News