બોર્ડના પરીક્ષાર્થીઓ માટે શહેર ભાજપે હેલ્પ લાઈન શરુ કરી
વડોદરાઃ બોર્ડ પરીક્ષા પહેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે હેલ્પ લાઈન શરુ કરી છે તો વડોદરા શહેર ભાજપે પણ પોતાની આગવી હેલ્પ લાઈનનો પ્રારંભ કર્યો છે.
ભાજપ દ્વારા મતદારોની સાથે સાથે હવે વિદ્યાર્થીઓને પણ રીઝવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.ગત વર્ષે પણ શહેર ભાજપે આ પ્રકારની હેલ્પ લાઈન શરુ કરી હતી.આજે વસંત પંચમીના દિવસે હેલ્પ લાઈન લોન્ચ કરવામાં આવી હતી.
હેલ્પ લાઈન માટે ત્રણ નિષ્ણાતોની ટીમ સેવા આપશે.જે વિદ્યાર્થીઓને તેમની મૂંઝવણો અને પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે મદદ કરશે.હેલ્પ લાઈન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણે માધ્યમના વિદ્યાર્થીઓ માટે છે.આ ટીમમાં ડો.વિનિતા ત્રિપાઠી( મોબાઈલ ૮૯૮૦૯૧૬૪૯૭) , ધર્મેન્દ્રકુમાર જોષી (મોબાઈલ નબર ૯૪૨૮૭૬૧૬૪૨) અને જતીન ઉપાધ્યાય( મોબાઈલ નંબર ૯૪૨૭૦૫૫૧૦૩)નો સમાવેશ કરાયો છે.
આ નિષ્ણાતો સોમવારથી શનિવાર વચ્ચે દિવસ દરમિયાન ફોન પર માર્ગદર્શન માટે ઉપલબ્ધ થશે અને બોર્ડ પરીક્ષાના છેલ્લા પેપર સુધી હેલ્પ લાઈન કાર્યરત રહેશે.જરુર પડે તો વિદ્યાર્થીને આ ટીમ રુબરુ કાઉન્સિલિંગ પણ કરશે.