વડોદરા ફાયર બ્રિગેડને ૩ કલાક સુધી જાણ કેમ ના કરાઇ,બેદરકારી કોની
રિફાઇનરી પાસે ટેન્કની થિકનેસ,આગ લાગે તો વધુમાં વધુ ક્યાં સુધી ફ્લેમ જઇ શકે જેવી ટેકનિકલ માહિતી જ નહતી
વડોદરાઃ ગુજરાત રિફાઇનરીમાં લાગેલી આગ માટે શરૃઆતમાં જ ભારે બેદરકારી રાખવામાં આવી હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે.
બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં રિફાઇનરીની બેન્ઝિન ટેન્કમાં પહેલો બ્લાસ્ટ થયો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા.બ્લાસ્ટની તીવ્રતા એટલી હતી કે પાંચ કિમી વિસ્તારમાં બારી-બારણાં ધણધણી ઉઠયા હતા.આમ છતાં રિફાઇનરીના સત્તાધીશોએ વડોદરા ફાયર બ્રિગેડની મદદ લીધી નહતી.
સ્થિતિ વધુ વણસતાં સાંજે ૬ વાગે વડોદરા ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવી હતી.ફાયર બ્રિગેડની ત્રણ ટીમો રવાના થઇ હતી.ફાયર બ્રિગેડે સ્ટોરેજ ટેન્કની થિકનેસ,તેમાં આગ લાગે તો ક્યાં સુધી ફ્લેમ જઇ શકે જેવી ટેકનિકલ બાબતો માંગી હતી.પરંતુ રિફાઇનરી પાસે આવી વિગતો નહતી.
ટેન્કના ફૂર્ચા ઉડયા,પતરાં સાથેના કેમિકલોમાં પણ આગ લાગી
રિફાઇનરીની બે ટેન્કમાં બ્લાસ્ટ થતાં દૂર સુધી તેના પતરાં ઉડયા હતા.આ પતરાંની સાથે જુદાજુદા કેમિકલો લાગેલા હોવાથી તેમાં પણ આગ લાગી હતી.જેથી આગના દ્શ્યો વધુ ભયાનક બન્યા હતા.ફાયર બ્રિગેડે નાની નાની આગ પણ કાબૂમાં લીધી હતી.