નારાયણ વિદ્યાલયની બિલ્ડિંગની ગુણવત્તા ચકાસવા માટે આર એન્ડ બી વિભાગની મદદ લેવાઇ
આજે ફરીથી ચાર ટ્રસ્ટીઓના વધુ નિવેદન લેવામાં આવ્યા
વડોદરા,વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ગુરૃકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ વિદ્યાલયની બિલ્ડિંગની ગુણવત્તાની ચકાસણી માટે કપુરાઇ પોલીસે આર એન્ડ બી વિભાગની મદદ લીધી છે. તેનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગત શુક્રવારે બપોરે વાઘોડિયા ડભોઇ રીંગ રોડ પર આવેલી નારાયણ વિદ્યાલયની બિલ્ડિંગમાં દીવાલ ધરાશાયી થતા એક બાળકને ઇજા થઇ હતી. ઉલ્લેખનીય છે કે, બિલ્ડિંગની ગુણવત્તાની ચકાસણી માટે કપુરાઇ પોલીસે આર એન્ડ બી વિભાગને જાણ કરી છે. ટીમ આવ્યા પછી સ્કૂલ પર જઇને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવશે. વધુમાં, ગઇકાલે પોલીસે ભાજપના કોર્પોરેટર નૈતિક શાહના પિતા અને શાળાના ટ્રસ્ટી દક્ષેશ શાહ તેમજ અન્ય ટ્રસ્ટીઓ સી.એમ.શાહ, મુકુંદ પટેલ તથા આર.સી. પટેલના નિવેદનો લીધા હતા. આજે ફરીથી તેઓને નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા.