વડોદરામાં સવારે તેમજ સાંજે ભારે વરસાદથી ભરાયેલા પાણી
સામાન્ય વરસાદમાં પણ રાજમાર્ગો પર પાણી ભરાતા લોકો હેરાન ઃ તાપમાનનો પારો ત્રણ ડિગ્રી ગગડયો
વડોદરા, તા.29 વડોદરામાં આજે સવારે તેમજ રાત્રે ફરી ધોધમાર વરસાદના કારણે શહેરના માર્ગો ફરી પાણી..પાણી.. થઇ ગયા હતાં. હંમેશની જેમ નીચાણવાળા માર્ગો તેમજ વિસ્તારોમાં પાણી ભરાઇ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. શહેરમાં આજે સવારે છથી રાત્રે આઠ વાગ્યા સુધી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
વડોદરામાં છેલ્લે બુધવારે આખો દિવસ ભારે વરસાદથી સમગ્ર શહેર પાણીમાં ડૂબી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આ સાથે જ વિશ્વામિત્રી નદીમાં પૂરે પણ તંત્રને દોડતું રાખ્યું હતું. ત્યારબાદના દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો હતો અને સામાન્ય વરસાદ નોંધાતો હતો. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી જ ફરી વરસાદે જોરદાર બેટિંગ શરૃ કરી હતી જેના પગલે સવારે સ્કૂલો તેમજ ઓફિસે જવા માટે નીકળેલા લોકો અટવાયા હતાં. મુક્તાનંદ બસ સ્ટેન્ડ પાસે, દાંડિયાબજાર, રાવપુરારોડ, લહેરીપુરા ગેટ, સરદાર એસ્ટેટ, વાઘોડિયારોડ સહિતના નીચાણવાળા રોડ પર પાણી ભરાઇ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
બપોરે વરસાદે વિરામ લીધા બાદ સાંજે ફરી ધોધમાર વરસાદ ખાબકતાં ઓફિસેથી ઘેર જવા નીકળેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. સતત બે કલાક સુધી ભારે અને ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. સવારે શહેરના કેટલાંક માર્ગો પર પાણી ફરી વળ્યા બાદ રાત્રે પણ ફરી એ જ સ્થિતિનું નિર્માણ થયું હતું. પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરામાં સવારે છથી આજે સાંજે છ વાગ્યા સુધી બે ઇંચ વરસાદ પડયો હતો જ્યારે સાંજે છથી રાત્રે આઠ વાગ્યા સુધી વધુ એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.
ૅજિલ્લામાં પણ મેઘમહેર રહી હતી. તમામ તાલુકામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં ન્યૂનત્તમ તાપમાન ત્રણ ડિગ્રી ગબડીને ૨૮.૩ ડિગ્રી નોંધાયું હતું જ્યારે મહત્તમ તાપમાન પણ ૦.૮ ડિગ્રી ઘટીને ૨૫.૪ ડિગ્રી રહ્યું હતું. દક્ષિણના ૧૦ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતાં જ્યારે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૮ અને સાંજે ૯૨ ટકા હતું. આગામી બે દિવસ પણ વરસાદની આગાહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.