48 વર્ષે વિનાશક પૂર બાદ વડોદરામાં આક્રોશ, ભાજપના કદાવર નેતાઓને લોકોએ ભગાડ્યા
Flood in Vadodara : વડોદરા શહેરમાં 1976 બાદ 48 વર્ષે પ્રથમ વખત વિશ્વામિત્રીના વિનાશક પૂરે છેલ્લા ત્રણ દિવસથી શહેરને ધમરોળતા તે માટે જવાબદાર વહીવટી તંત્ર તથા રાજકીય નેતાઓ હોવાથી લોકોનો આક્રોશ દિનપ્રતિદિન વધી રહ્યો છે. લોકોને કરોડનું રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે આજે વિધાનસભાના દંડક બાળુ શુકલ, શહેર ભાજપ પ્રમુખ અને સ્થાનિક કોર્પોરેટરો સમા-સાવલી રોડ અજીતાનગરમાં મુલાકાતે ગયા તે સમયે લોકોના આક્રોશનો ભોગ બન્યા હતા.
વડોદરા શહેરની મુલાકાતે આવેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેઓ સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે ત્રણ દિવસથી પૂરના પાણીથી ત્રસ્ત બનેલા અને કોઇપણ પ્રકારની સહાય નહીં મળતા લોકોના આક્રોશનો ભોગ ગૃહ રાજ્યમંત્રી પણ બન્યા હતા. લોકોએ તેમનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, સરકાર તરફથી કોઇ સહાય મળી નથી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ઘેરાવો થતા પોલીસે દરમિયાનગીરી કરી લોકોને દૂર હટાવ્યા હતા. ગૃહ રાજ્યમંત્રીને કોર્ડન કરી ટોળાની બહાર લઇ જવાની ફરજ પડી હતી.
આ પણ વાંચો : જુલાઈ-ઓગસ્ટમાં મોનસૂને ધડબડાટી બોલાવ્યાં બાદ સપ્ટેમ્બર કેવો રહેશે? IMDએ આપી ખુશખબર!
વડોદરા શહેરમાં પૂરને કારણે લોકોને નુકસાન ભોગવવાના વારો આવ્યો છે કોર્પોરેશન તરફથી પાણી છોડ્યા અંગેની કોઇ માઇક ફેરવીને વિસ્તારોમાં જાહેરાત કરવામાં આવી નહી જેથી લોકો વિશ્વામિત્રીના પૂરના પાણીમાં ફસાઇ ગયા હતા. સાથે સાથે વિજ પુરવઠો પણ સલામતીને ઘ્યાનમાં રાખી બંધ કરવાને કારણે અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો હતો. જેથી લોકો બે દિવસ સુધી પરેશાન થયા હતા, જ્યારે શહેરના અનેક વિસ્તારોમાં પૂરના તથા વરસાદી પાણી ભરાઇ રહેતા સતત ત્રીજા દિવસે લોકો પરેશાન છે. લાઇટો નહીં હોવાને કારણે પીવાનું પાણી પણ મળ્યું નથી. એટલું જ નહીં જીવન જરૂરી વસ્તુઓ પણ મળી નથી. ત્રણ દિવસ સુધી વિશ્વામિત્રીની સપાટી 35 ફુટથી વઘુ રહી હતી. ત્યારબાદ ગુરૂવારથી આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતા સપાટીમાં ઘટાડો થયો હતો. ત્યારબાદ રાજકીય આગેવાનો તેમના મતવિસ્તારની મુલાકાતે નીકળ્યા હતા જેથી લોકોના આક્રોશનો ભોગ બન્યા હતા.
ગુરૂવારે સવારે વિધાનસભાના દંડક બાળુ શુકલ, શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, માજી કોર્પોરેટર તથા હાલના મહિલા કોર્પોરેટર સહિત ભાજપના કાર્યકર્તાની ટીમ સમા-સાવલી રોડ સ્થિત અજીતાનગર ખાતે પહોંચી હતી. ત્યારે પૂરની પરિસ્થિતિમાં મદદરૂપ થવાની વાત કરતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો હતો અને આક્ષેપ કર્યા હતા કે ફોટા પડાવવા નીકળી પડ્યા છે. અહીંથી નીકળીને સિદ્ધાર્થ બંગલોઝમાં જશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ડીપ ડિપ્રેશનથી બારે મેઘ ખાંગા: માંડવીમાં 18 ઈંચ, અબડાસામાં 14 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવન ઠપ
દરમિયાન હરણી નવો વિકાસ પામી રહેલો વિસ્તાર છે તેમાં પ્રથમવાર કેડ સમા પાણી સમગ્ર વિસ્તારમાં ભરાયા હતા. ગુરૂવારે પાણી ઉતરતા ભાજપના મહિલા ધારાસભ્ય મનીષાબેન વકીલ, કોર્પોરેટર વિનોદ ભરવાડ, ભાજપ મહામંત્રી રાકેશ સેવક, ગોપાલ પટેલ અને કાર્યકર્તાની ટીમ હરણી વિસ્તારની મુલાકાતે પહોંચી હતી. જ્યાં લોકોએ તેમનો ઘેરાવો કરી ભાજપ વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી પાછા ચાલ્યા જવા ફરજ પાડી હતી. લોકોનો આક્રોશ જોઇ મહિલા ધારાસભ્ય અને તેમની ટીમને ચૂપકીદી સેવીને સ્થળ છોડીને ચાલ્યા જવુ પડ્યું હતું.
આ પણ વાંચો : અમદાવાદીઓ આનંદો! સિઝનનો 100% વરસાદ વરસ્યો, છેલ્લા 6 દિવસમાં 40% ખાબકી ગયો
પૂર કુદરત સર્જિત નહીં, પણ કોર્પોરેશન સર્જિત : કોંગ્રેસ
વડોદરાનું વિનાશક પૂર એ કુદરત સર્જિત નહીં, પણ વડોદરા કોર્પોરેશનમાં 30 વર્ષથી બેઠેલા શાસકોનો ભ્રસ્ટાચાર, ગેરવહીવટી, ગેરકાયદે બાંધકામો જવાબદાર છે અને કોર્પોરેશન તથા સરકાર સર્જિત આ પૂર છે, તેવા આક્ષેપ ગુજરાત વિધાનસભાના વિરોધી પક્ષના નેતા અને આંકલાવના ધારાસભ્યે કર્યો છે. વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત આવે તારાજીની વિગતો મેળવ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કુદરત રૂઠે અને વરસાદનો પ્રકોપ થાય, પરંતુ વારંવાર એક જ વાતના કારણે લોકોને નુકસાન વેઠવું પડે તે માટે કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધીશો જવાબદાર છે.