વડોદરામાં રાત્રે ધોધમાર એક ઇંચ વરસાદ ઃ પાદરામાં બે ઇંચ
રાત્રે પડેલા વરસાદથી નીચાણવાળા વિસ્તાર અને રોડ પર પાણી ભરાયા ઃ તાપમાનનો પારો ગગડયો
વડોદરા, તા.3 વડોદરા શહેર અને જિલ્લામાં આજે આખો દિવસ મેઘમહેર રહી હતી. શહેરમાં દિવસે છૂટાછવાયા ઝાપટાં બાદ રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. આખો દિવસ વાદળછાયા વાતાવરણની સાથે શહેરમાં ઠંડક પણ પ્રસરેલી રહી હતી.
ઉલ્લેખનીય છે કે આખુ સપ્તાહ વરસાદી માહોલ રહ્યો હતો અને આજે સવારથી જ વરસાદી માહોલની સાથે અનેક વિસ્તારોમાં ઝાપટાં નોધાયા હતાં. બાદમાં સાંજે અને રાત્રે અચાનક ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાત્રે આઠ વાગ્યા બાદ પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. વીક એન્ડમાં બહાર નીકળેલા લોકો વરસાદમાં અટવાઇ ગયા હતાં.
પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ શહેરમાં સવારે છથી રાત્રે દશ વાગ્યા સુધી એક ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે જિલ્લામાં સૌથી વધારે વરસાદ પાદરા તાલુકામાં બે ઇંચ પડયો હતો. આ ઉપરાંત વાઘોડિયામાં ૪ મિમી, કરજણમાં ૧૩, શિનોરમાં ૧૩ અને ડેસરમાં ૩ ઇંચ વરસાદ પડયો હતો. વડોદરામાં સરેરાશ વરસાદ ૪૫૪.૩૮ મિમી નોંધાયો છે.
જ્યારે હવામાનખાતાના મુજબ વડોદરામાં મહત્તમ તાપમાનનો પારો ૧.૨ ડિગ્રી ગગડીને ૩૦.૨ ડિગ્રી નોંધાયો હતો અને ન્યૂનત્તમ તાપમાનનો પારો ૨૫.૬ ડિગ્રી રહ્યો હતો. દક્ષિણના પવનોની ગતિ ૯ કિ.મી. પ્રતિ કલાક તેમજ હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૨ તેમજ સાંજે ૯૭ ટકા હતું.