વડોદરામાં બપોરે ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા

જિલ્લામાં પણ મેઘમહેર યથાવત ઃ પાદરા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
વડોદરામાં બપોરે ધોધમાર વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા 1 - image

વડોદરા, તા.19 વડોદરા શહેર અને જિલ્લામાં આજે ચોથા દિવસે પણ મેઘમહેર યથાવત રહી હતી. આજે બપોરે ધોધમાર વરસાદના પગલે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. સતત વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરેલી રહી હતી.

ઉલ્લેખનીય છે કે શુક્રવારથી શરૃ થયેલો વરસાદ આજે પણ ચાલુ રહ્યો હતો. આખો દિવસ ધીમી ધારે અથવા ધોધમાર વરસાદ વરસતા સામાન્ય જનજીવનને પણ અસર થઇ હતી. વડોદરા શહેરમાં બપોરે બેથી ચાર વાગ્યાના સમયમાં એક ઇંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની ઉઠી હતી. આ ઉપરાંત કેટલાંક રોડ પર પણ લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહ્યા હતાં.

પૂર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ વડોદરામાં આજે સવારે છ વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જિલ્લામાં પણ તમામ તાલુકામાં વરસાદની હાજરી રહી હતી. જિલ્લામાં સૌથી વધુ પાદરા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેરમાં સિઝનનો કુલ ૮૪૬ મિમી વરસાદ પડયો હતો જ્યારે જિલ્લામાં સિઝનનો કુલ ૬૭૬ મિમી વરસાદ નોંધાયો છે. વડોદરા જિલ્લામાંથી પસાર થતી મહી નદીમાં પણ પાણીની સપાટી ઘટી હતી. સાંજે છ વાગે સિંઘરોટ પાસે ૧૭.૭૦ ફૂટ પાણીની સપાટી નોંધાઇ હતી.

હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં મહત્તમ તાપમાનમાં ૦.૪ ડિગ્રી વધારો થતા ૨૯.૪ ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાનમાં ૦.૨ ડિગ્રી વધીને ૨૪.૮ ડિગ્રી નોંધાયું હતું. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૩ અને સાંજે ૯૮ ટકા હતું. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરામાં હજી બે દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.




Google NewsGoogle News