વડોદરા જિ.પંચાયતની સભામાં ભાજપ-કોંગ્રેસના સભ્યો બાખડ્યા..તૂ ચૂપ બેસ,શટઅપ..થાય તે કરી લેજે
ડીડીઓએ સભા બરખાસ્ત કરવાની ચીમકી આપતાં સભ્યો શાંત પડયા
વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધિકારીઓવતી ભાજપના કેટલાક સભ્યો જવાબ આપતા હોવાથી કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે તુતુમૈમૈ થઇ હતી.
અધિકારીઓનો બચાવ કરતા ભાજપના કેટલાક સભ્યોએ સરકારે કરેલા કામોની પણ રજૂઆત કરવા માટે અધિકારીઓને ટકોર કરતાં કોંગ્રેસના વિપક્ષી નેતા મુબારક પટેલ અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન કમલેશ પટેલ વચ્ચે શાબ્દિક તડાફડી થઇ હતી.જેમાં વડુના કોંગી સદસ્ય અર્જુનસિંહ પઢિયાર,ડો.પ્યારે રાઠોડ તેમજ ભાજપના રાજેન્દ્ર પટેલ,નિલેશ પુરાણી સહિતના સભ્યો પણ જોડાતાં માહોલ તંગ બન્યો હતો.
એક તબક્કે તુ ચૂપ બેસ,યુ શટઅપ, તુ મને કહેવાવાળો કોણ..જા થાય તે કરી લેજે..કૌભાંડીઓને બચાવો છો..અમે તમને સાંભળવા નથી આવ્યા..જેવા ઉચ્ચારણો થતાં ડીડીઓએ દરમિયાનગિરી કરવી પડી હતી અને સભાનું ડેકોરમ નહિં જળવાય તો સભા મુલતવી રાખવી પડશે તેવી ચીમકી આપતાં સભ્યો શાંત પડયા હતા.