વડોદરાનું તાપમાન ૪૪ ડિગ્રી, તા.૨૬ સુધી હીટવેવ ચાલુ રહેવાની આગાહી
વડોદરાઃ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા હીટવેવે હાહાકાર મચાવ્યો છે.વડોદરામાં આજે પણ લોકોને ગરમીના કહેરમાંથી ઝાઝી રાહત મળી નહોતી.વડોદરામાં ગુરુવારે ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ અને શુક્રવારે તેમાં માત્ર એક ડિગ્રીનો ઘટાડો થયો હતો અને ૪૪ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં તા.૨૬ સુધી હીટવેવ યથાવત રહેશે અને લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડશે.આમ વડોદરાવાસીઓને રવિવાર સુધી ગરમીથી રાહત મળવાની કોઈ શક્યતા હાલમાં તો દેખાઈ રહી નથી.
વડોદરામાં હીટવેવના પગલે આજે પણ સવારથી આકાશમાંથી આગ વરસતી હોય તેવો અનુભવ લોકોએ કર્યો હતો.એમ પણ છેલ્લા કેટલાક દિવસથી લોકો સવારની જગ્યાએ સીધી બપોર જ પડતી હોય તે પ્રકારની ગરમીનો અનુભવ કરી રહ્યા છે.
બપોરના એક વાગ્યા સુધીમાં તો રસ્તાઓ પરની અવર જવરમાં ૫૦ ટકા કરતા વધારે ઘટાડો થઈ ગયો હતો.બપોરના ૩ વાગ્યા સુધીમાં તો મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.સાંજે ૬ વાગ્યા પછી પણ લોકોને ગરમીમાથી રાહત મળી નહોતી.સૂર્યાસ્ત થયા બાદ પણ શહેરમાં આકરી ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.હવામાનખાતાના આંકડા પ્રમાણે વડોદરામાં મહત્તમ ૪૪ ટકા તાપમાન નોંધાયુ હતુ.જ્યારે લઘુત્તમ તાપમાન ૩૦ ડિગ્રી રહ્યુ હતુ.સામાન્ય રીતે શિયાળાની સિઝનમાં મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી રહેતુ હોય છે.જ્યારે આજે પવનની ગતિ પ્રતિ કલાક ૧૨ કિલોમીટર નોંધાઈ હતી.
વડોદરામાં પાંચ દિવસ બપોરે કોચિંગ ક્લાસ બંધ
વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા હીટવેવના પગલે વડોદરામાં કોચિંગ ક્લાસીસના સંગઠન બરોડા એકેડમિક એસોસિએશને પણ આગામી પાંચ દિવસ દરમિયાન બપોરના સમયે એટલે કે ૧૨ થી ચાર દરમિયાન બંધ રાખવાની જાહેરાત કરી છે.બીજી તરફ તંત્ર માટે રાહતની વાત એ છે કે, હાલમાં સ્કૂલોમાં વેકેશન ચાલી રહ્યું છે.હવે કોચિંગ ક્લાસ પણ હીટવેવના કારણે બપોરે કાર્યરત નહીં રહે.
હીટવેવના પગલે ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધારે ૫૦૯ મિલિયન યુનિટનો વીજ વપરાશ
હીટવેવના કારણે ગુજરાતની વીજ માંગ અને વીજ વપરાશ પણ વધી ગયો છે.તા.૨૩ના રોજ ગુજરાતનો વીજ વપરાશ ૫૦૯ મિલિયન યુનિટ નોંધાયો હતો.જે અત્યાર સુધીનો સૌથી વધારે છે.જ્યારે વીજ માંગ ૨૭૭૬૪ મેગાવોટ રહી હતી.આમ વીજ માંગના પણ નવા રેકોર્ડ સર્જાવાનુ ચાલુ રહ્યુ છે.હીટવેવના કારણે ગુજરાતની વીજ માંગમાં આગામી પાંચેક દિવસમાં ઘટાડો થવાના એંધાણ દેખાઈ રહ્યા નથી.