ગરમીનો પ્રકોપ : વડોદરામાં વધુ બે વ્યક્તિના મોત : 4 મહિલા સહિત 16 વ્યક્તિ સારવાર હેઠળ
HeatWave Death in Vadodara : છેલ્લા 15 દિવસથી આકાશમાંથી અગન ગોળા વરસી રહ્યા છે. તેને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વીતેલા 24 કલાકમાં ગરમીના કારણે આજોડ ગામના આધેડ અને દુમાડ ગામના યુવકનો ભોગ લેવાયો હતો. હાલમાં સયાજી હોસ્પિટલમાં કુલ 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
મળતી વિગત મુજબ વિકાસની હોડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધારી, વૃક્ષનો વિનાશ કરી માનવી પોતાના અસ્તિત્વ પર ખતરો વહોરી રહ્યો છે. તેને કારણે ભયંકર ગરમીનો સામનો માનવ જીવને કરવો પડે છે. ગરમીને કારણે વડોદરા તાલુકાના આજોડ ગામની ઇન્દિરા નગરીમાં રહેતા 29 વર્ષના નિકુંજ પ્રમોદકુમાર ઠક્કરને ચાર દિવસથી તાવ આવતો હતો. તેમજ ઝાડા ઉલટી થતા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે દમ તોડી દીધો હતો. મંજુસર પોલીસના જણાવ્યા મુજબ નિકુંજ જન્મથી જ માનસિક અસ્વસ્થ હતો.
બીજા બનાવો મુજબ વડોદરા તાલુકાના દુમાડ ગામના રામદેવ ફળિયામાં રહેતા 41 વર્ષના વિકાસ કુમાર ઈશ્વર પરમાર ગરમીને કારણે ચક્કર આવતા પડી ગયા હતા. તેમને સારવાર માટે સહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે દમ તોડી દીધો હતો.
વીતેલા 24 કલાકમાં સયાજી હોસ્પિટલના ગરમીના અલાયદા ઉભા કરવામાં આવેલા વોર્ડમાં 4 મહિલા અને 12 પુરુષ મળી 16 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.