ગરમી કાળઝાળ : તંત્રે પાણીના પુરવઠામાં વધારો કરવો પડયો

Updated: May 18th, 2024


Google NewsGoogle News
ગરમી કાળઝાળ : તંત્રે પાણીના પુરવઠામાં વધારો કરવો પડયો 1 - image


નગરમાં પાણીનો વપરાશ ૬૨ એમએલડી પર પહોંચ્યો

છેવાડાના ઘર સુધી પ્રેસર જાળવી રાખવા માટે સેક્ટરોના બોરને રાબેતા મુજબથી એક કલાક વધુ ચલાવવાનું શરૃ કરવામાં આવ્યું

ગાંધીનગર : રાજ્યભરની સાથે ગાંધીનગરમાં પણ ગરમી કાળઝાળ બની છે. આ સાથે નગરમાં પાણીનો વપરાશ વધીને ૬૨ એમએલડી પર પહોંચી ગયો છે. સેક્ટર વિસ્તારમાં છેવાડાના ઘર સુધી પ્રેસર જાળવી રાખવા માટે સેક્ટરોના બોરને રાબેતા મુજબથી એક કલાક વધુ ચલાવવાનું શરૃ કરવામાં આવ્યું છે. અધિકારી સુત્રો દ્વારા આ મુદ્દે જણાવવામાં આવ્યું કે તંત્ર દ્વારા વધારાનો બે એમએલડી પાણીનો જથ્થો ઉપાડવાનું શરૃ કરવામાં આવ્યું છે.

પાણીના વ્યવસ્થાપન સંબંધમાં આ વર્ષે થોડું આગોતરૃ આયોજન કરવામાં આવ્યું હોવાના કારણે ઓછું પાણી મળવાની અને ઓછા દબાણથી પાણી મળવાની ફરિયાદોમાં થોડો ફરક પડયો છે. તેમ જણાવતા અધિકારી સુત્રો દ્વારા કહેવામાં આવ્યું કે પાટનગરમાં ઉનાળાના દિવસોમાં સ્વાભાવિક રીતે જ પાણીના વપરાશમાં વધારો થાય છે અને શિયાળાના દિવસોમાં કુદરતી રીતે જ પાણીના વપરાશમાં ઘટાડો પણ નોંધવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને જ્યાંથી ગાંધીનગર શહેર માટે નર્મદા કેનાલ આધારિત પાણીનો સપ્લાય આપવામાં આવે છે. તેવા નભોઇ પમ્પિંગ સ્ટેશન પર આગોતરી જાણ કરી દેવામાં આવે છે. વધારામાં હાલમાં પાણીના વિતરણ અને ગંદા પાણીના નિકાલ માટે જુના નેટવર્કનો જ ઉપયોગ કરવામાં આવતો હોવાથી કોઇપણ સ્થળે બન્નેમાંથી કોઇપણ લાઇનમાં લીકેજની ફરિયાદ આવે ત્યારે અગ્રતાક્રમે સ્થળ પર ટુકડીને પહોંચતી કરીને જરૃરી સમારકામ કરવા સાથે ફરિયાદનો નિકાલ લાવવામાં આવે તેનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે રિપેરીંગ ટીમને સતત સાબદા રહેવાની અને બનતી ઝડપે સમારકામ કરવાની સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.

પાણીના વિતરણ સમય પહેલાં જ મુખ્ય લાઇનોને ભરી દેવા માટે હાલની સ્થિતિએ સેક્ટરોના બોર વધુ એક કલાક ચલાવવાનું પણ શરૃ કરી દેવામાં આવ્યું છે. પરિણામે છેવાડાના ઘર સુધી પ્રેસરથી પાણી પહોંચાડવામાં મદદ મળી રહે છે.બીજી બાજુ તાપમાન ૪૨ ડિગ્રીએ પહોંચતા પહેલાં જ પાણીનો વધુ જથ્થો ઉપાડવાનું શરૃ કરવામાં આવ્યુ હતું. તેમાં છેલ્લા બે દિવસથી વધુ ૨ એમએલડીનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે શહેરમાં પાણીનો વપરાશ ૬૨ એમએલડી પર પહોંચી ગયો છે. 


Google NewsGoogle News