વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના કેસ ધરાવતા 190 ગામોમાં આરોગ્ય લક્ષી સ્પેશિયલ સર્વેલંન્સ કામગીરી
Vadodara Dengue Case : વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા હોય તેવા 190 ગામોમાં દર અઠવાડિયે આરોગ્ય લક્ષી સ્પેશિયલ સર્વેલંન્સ કામગીરી કરવામાં આવી રહી છે. ભારતમાં હાલ સીઝનલ ફ્લુની સાથે બીજી અન્ય બીમારીઓ જેવી કે મેલેરીયા, ટીબી, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા પણ જોવા મળે છે. ડેન્ગ્યુ વાહકજન્ય રોગ છે. જે એડીસ ઇજિપ્તી માદા મચ્છરથી ફેલાય છે. આ મચ્છર ઘરમાં કે ઘરની આસપાસ ભરાતા ચોખ્ખા બંધિયાર પાણીમાં જ ઉત્પન્ન થાય છે અને તે દિવસે કરડે છે. ડેન્ગ્યુ રોગમાં સખત તાવ આવવાની સાથે આંખોના ડોળાની પાછળ દુખાવો થાય, હાથ અને ચહેરા પર ચકામાં પડે, નાકમાં તેમજ પેઢામાંથી લોહી પડે જેવા લક્ષણો જોવા મળે છે. ડેન્ગ્યુ રોગની કોઇ સચોટ દવા ઉપલબ્ધ નથી. આ લક્ષણો જોવા મળે તો તુરત જ નજીકના સરકારી દવાખાનાની મુલાકાત લઇ સારવાર કરાવવી જોઈએ તેમ આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.
જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ જેમકે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિલ્ડ હેલ્થ વર્કર, આશા કાર્યકરો વાહકજન્ય રોગની કામગીરી કરી રહ્યા છે. આ કામગીરીમાં આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે મુલાકાત લઇને તાવના કેસોની શોધખોળ, પોરાનાશક મચ્છર સ્થાનોના સર્વેની કામગીરી કરવાની સાથે લોકોમાં વાહકજન્ય સામે મજનજાગૃતિ લાવવા આરોગ્ય શિક્ષણ આપી રહ્યા છે. કોઇપણ ગામમાં ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાય તો તુરંત જ તે વિસ્તારમાં 3 દિવસ ધનિષ્ઠ સર્વેલન્સ, પોરાનાશક કામગીરી તથા ફોગીંગની કામગીરી શરૂ કરવામાં આવે છે. વડોદરા શહેરમાં પણ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 2277 સેમ્પલ લીધા છે તેમાંથી 55 પોઝિટિવ મળ્યા છે તારીખ 9 ના રોજ તાંદળજામાં એક કેસ પોઝિટિવ મળ્યો હતો.