ફતેગંજ મતદાન મથક નજીક અપાતો નાસ્તો ખાધા પછી તબિયત બગડી
૧૬ બાળકો, મહિલા અને પુરૃષ સહિત ૨૦ ને સયાજીમાં સારવાર માટે લઇ જવાયા
વડોદરા,ફતેગંજ માંઇકૃપા સ્કૂલ પાસે મતદાન મથક નજીક પૌેઆ ખાધા પછી ૧૬ બાળકો અને મહિલા સહિત ૨૦ લોકોની તબિયત બગડતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેઓની હાલત હાલ સુધારા પર છે.
લોકસભાની ચૂંટણીના આજે મતદાનના દિવસે કેટલાક સ્થળે રાજકીય પક્ષ તો કેટલાક સ્થળે સ્થાનિક રહીશો દ્વારા ચા અને નાસ્તાની વ્યવસ્થા રાખવામાં આવી હતી.નવાયાર્ડ વિસ્તારની વસાહત નજીક પડાવ નાંખીને રહેતા શ્રમજીવી પરિવારના બાળકો અને મહિલા તથા પુરૃષે ફતેગંજ માંઇકૃપા સ્કૂલ પાસેના ઇલેક્શન બૂથ નજીક પૌંઆ ખાધા હતા. નાસ્તો કર્યાના બે કલાક પછી તેઓને ઉલટી અને પેટમાં બળતરા શરૃ થઇ હતી. તબિયત બગડતા ૧૬ બાળકો સહિત ૨૦ ને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. તેઓની તબિયત સારી છે. હાલમાં તેઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. બનાવ અંગે ફતેગંજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, નાસ્તાની વ્યવસ્થા કોણે કરી તે હજી સુધી જાણી શકાયું નથી.
એકસાથે ૨૦ દર્દીઓ આવી જતા સયાજીમાં અફરાતફરીનો માહોલ
વડોદરા,સયાજી હોસ્પિટલમાં એકસાથે ૨૦ દર્દીઓ આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીમાર બાળકોને સારવાર આપવાની જગ્યાએ તેમના નામ લખવા માટે તેઓને લાઇનમાં ઉભા રાખવામાં આવ્યા હતા. વધારે પડતા દર્દીઓ આવી જતા સારવાર માટે દોડધામ થઇ ગઇ હતી. મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં એવી સ્થિતિ સર્જાઇ હતી કે, એક જ બેડ પર બે બાળકોને સૂવડાવીને સારવાર કરવી પડી હતી.